ભારતની ઝોળીમાં વધુ એક વૈશ્વિક સફળતા આવી, IFFCO દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બની
- IFFCO 5.5 કરોડથી વધુ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. જેમાંથી કેટલાક ખેડૂતો તો દુનિયાના દુર્ગમ વિસ્તારોમાં રહે છે
ઝી મીડિયા/બ્યૂરો :ભારતની ઝોળીમાં વધુ એક વૈશ્વિક સ્તરની ઝળહળતી સફળતા આવી છે. ભારતની સંસ્થા IFFCO દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બની છે. દુનિયાની મોટી 300 સહકારી સંસ્થાઓમાં IFFCO (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ) એ નંબર 1 સ્થાન મેળવ્યું છે. આ સંસ્થાએ પ્રતિ વ્યક્તિ ઘરેલુ ઉત્પાદન અને કારોબારની કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. ત્યારે આ બાબત માત્ર સહકારી ક્ષેત્ર નહિ પણ પૂરા ભારત માટે ગર્વની વાત છે.
1967માં માત્ર 57 સહકારી સમિતિ સાથે IFFCOની સ્થાપના થઈ હતી. આજે 36000થી વધુ ભારતીય સહકારી સમિતિઓ તેમાં સામેલ છે. IFFCO 5.5 કરોડથી વધુ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. જેમાંથી કેટલાક ખેડૂતો તો દુનિયાના દુર્ગમ વિસ્તારોમાં રહે છે. આમ, IFFCOએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વ્યાપ વધાર્યો છે. જેને કારણે સંસ્થાને આ સ્થાન મળ્યું છે.
IFFCO એ ગત વર્ષમાં 125 સ્થાનથી ઓવરઓલ ટર્ન ઓવર રેન્કિંગમાં 65 મું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ઈફ્કો હવે દુનિયાની ટોચની સહકારી સંસ્થા બની ગઈ છે. આ સંદર્ભે ઈફ્કોએ કહ્યું કે, ઈફ્કો રાષ્ટ્રના સકળ ઘરેલુ ઉત્પાદન અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન (આઈસીએ) દ્વારા પ્રકાશિત 9મી વાર્ષિક વિશ્વ સહકારી મોનિટરીંગ રિપોર્ટ અનુસાર, આ વિકાસ ટર્નઓવર અને દેશની સંપત્તિ દર્શાવે છે.
IFFCO ના એમડી અને સીઈઓસ યુએસ અવસ્થીએ આ સફળતા પર ટ્વીટ કરીને કહ્યું કે, બહુ જ ખુશીની વાત છે કે, ઈફ્કો દુનિયાની નંબર 1 સહકારી સંસ્થા બની ગઈ છે. દુનિયાની 300 સહકારી સંસ્થાઓની વચ્ચે ઘરેલુ પ્રોડક્ટના સૌથી વધુ કારોબારના સંદર્ભમાં ઈફ્કો સર્વશ્રેષ્ઠ છે. તમને સૌને અભિનંદન.
5.5 કરોડ ખેડૂતોને સેવા આપે છે IFFCO
પોતાની 36000 સહકારી સમિતિઓના વિશાળ નેટવર્ક દ્વારા, ઈફ્કો ભારતના 5.5 કરોડ ખેડૂતોને પોતાની સેવા પ્રદાન કરે છે. ઈફ્કોના એક વિભાગ પાસે ભારતના ખૂણેખૂણે પ્રસરેલા ખેડૂતો સુધી ખાતર પહોંચાડાની ચેલેન્જ છે. જેમાં કેટલાક ખેડૂતો તો દુનિયાના અતિદુર્ગમ વિસ્તારોમાં રહે છે.