તેલની વધેલી કિંમતને કારણે ભારતને જોરદાર ઝટકો, IMFએ ઘટાડ્યું GDP ગ્રોથનું અનુમાન
આઇએમએફએ ભારતના ગ્રોથ અનુમાનને 2018 માટે 0.1 ટકા ઘટાડીને 7.3 ટકા અને 2019 માટે 0.3 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધું છે.
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)એ ભારતને જોરદાર ઝટકો આપ્યો છે. આઇએમએફએ ભારતના ગ્રોથ અનુમાનને 2018 માટે 0.1 ટકા ઘટાડીને 7.3 ટકા અને 2019 માટે 0.3 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધું છે. IMFએ ભારતનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાંકીય વર્ષમાં 7.5 ટકાથી ઘટાડીને 7.3 ટકા કરી દીધો છે. જોકે, આમ છતાં ભારત અત્યારે પણ દુનિયામાં સૌથી ઝડપી વિકાસ સાધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં ટોચ પર છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ વર્ષે એપ્રિલમાં 0.1 ટકા અને 2019માં 0.3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
IMFએ જાહેર કરેલી માહિતી પ્રમાણે તેલની ઉંચી કિંમત અને કડક ફાઇનાન્શિયલ પોલીસીના કારણે આ નિર્ણય લેવાયો છે. WEO અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ 2017માં 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા તેમજ 2019માં 7.5 ટકા થવાનું અનુમાન છે. હવે દેશ ડિમોનિટાઇઝેશન અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)ની છાયામાંથી બહાર નીકળી ગયો છે.
IMF દ્વારા ભારતમાં ગ્રોથનો ઘટાડો થવાનો જાહેરાત કરવામાં આવી હતી પણ આમ છતાં ભારતનો ગ્રોથ ચીનની સરખામણીમાં વધારે રહેવાનું અનુમાન છે. રિપોર્ટ કહે છે કે ચીનનો ગ્રોથ 2017ના 6.9 ટકાથી ઘટીને 2018માં 6.6 ટકા અને 2019માં 6.4 ટકા રહેવાનું અનુમાન છે. આંતરરાષ્ટ્રીય એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે અમેરિકામાં આર્થિક વિકાસ દર 2018માં 2.9 ટકા અને આવતા વર્ષે 2.7 ટકા રહેવાનું અનુમાન છે. IMFનું માનવું છે વેપારના મામલે વધેલા તણાવને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જોખમ છે.