નવી દિલ્હી : આધારને લિંક કરાવવાના મામલે લોકોમાં ભારે કન્ફ્યુઝન છે. હાલમાં સોશિયલ મીડિયામાં આધાર લિંક કરાવવા સાથે જોડાયેલો એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે. આમાં LIC પોલીસ હોલ્ડર્સને એસએમએસ મારફતે પોતાની પોલીસી આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે LICએ સ્પષ્ટતા કરી દીધી છે કે એણે આવો કોઈ મેસેજ યુઝરને નથી મોકલ્યો. આમ, જો તમારી પાસે LICની પોલીસી હોય અને તમને આવો મેસેજ મળ્યો હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે. LICએ આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાઇરલ મેસેજ?
હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી કંપનીઓ સંબંધિત સેવા માટે આધાર લિંક કરાવવાના મેસેજ સતત મોકલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા જ મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. આમાં LICના ઓફિશિયલ લોગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસી હોલ્ડર્સને SMS મારફતે આધારને પોલીસી સાથે લિંક કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, આ મેસેજ સાવ નકલી છે. 


સ્પષ્ટ શબ્દોમાં LICનું નોટિફિકેશન 
LICએ તમામ પોલીસી હોલ્ડર્સને એલર્ટ કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ આવો કોઈ મેસેજ નથી મોકલ્યો. LICની સ્પષ્ટતા પ્રમાણે પોલીસીને આધાર સાથે લિંક કરાવવા માટે SMS મારફતે કોઈ પ્રોસેસ નથી. જો એવો કોઈ મેસેજ આવે તો કોઈ પણ જરૂરી જાણકારી ન આપવાની કંપની તરફથી સૂચના આપવામાં આવી છે. આવી કોઈ પણ જાણકારી આપતા પહેલાં LIC ઓફિસ જઈને સંપૂર્ણ જાણકારી લઈ લો. LIC તરફથી આવું કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે તો એની વિગત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. 


નવી પોલીસી માટે આપવો પડશે આધારનો પુરાવો 
LIC પાસેથી નવી પોલીસી લેવા માટે હાલમાં આધારનો પુરાવો આપવો ફરજિયાત છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ સેકન્ડ અમેડમેન્ટ એક્ટ 2017 અંતર્ગત સરકારે આ પુરાવો અનિવાર્ય કરી દીધો છે. થોડા સમય પહેલાં RBI દ્વારા આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાના નિર્ણય પછી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI પણ આ પગલું ઉઠાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટતા કરી ચૂકી છે કે આધાર લીગલ ડોક્યુમેન્ટ નથી અને એને ફરજિયાત બનાવવા મામલે હજી ચર્ચા ચાલી રહી છે. આ મામલામાં હજી સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય નથી આવ્યો.