ભારતના `આર્થિક` હુમલાને કારણે પાકિસ્તાન રઘવાટમાં, આ રીતે લેશે બદલો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે
મુંબઈ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના વેપારી સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ છે. ભારતે હવે પાકિસ્તાન પર આર્થિક હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીના વડપણમાં થયેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મોદી સરકારે પાકિસ્તાનને આર્થિક મોરચા પર ઘેરવાનું શરૂ કરી દીધું છે. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાયા પછી પાકિસ્તાનની હાલત વધારે બદતર થવાના અણસાર છે.
ભારતની આ જાહેરાત પછી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના આર્થિક સલાહકાર રઝાક દાઉદે નિવેદન કર્યું છે કે પાકિસ્તાન ભારત તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલા વિરૂદ્ધ તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ પાકિસ્તાનના અખબાર ડોનને માહિતી આપી છે કે પાકિસ્તાન હવે ભારતથી આયાત થનારી ઘણી બધી વસ્તુઓને નકારાત્મક યાદીમાં ઉમેરી શકે છે. આમ, પાકિસ્તાન પણ ભારત વિરૂદ્ધ આ પગલું ભરી શકે છે.
આ સ્થિતિને કારણે દેવામાં ડુબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 2.67 બિલિયન ડોલરનો બિઝનેસ થાય છે. વર્લ્ડ બેંકે હાલમાં જ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો બિઝનેસ 37 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોડના માધ્યમથી 138 જેટલી વસ્તુઓની આયાત અને નિકાસ થાય છે.
એક્સપર્ટનું માનવું છે કે પાકિસ્તાન પાસેથી જો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આંચકી લેવામાં આવે તો આર્થિક રીતે પાકિસ્તાનને ખાસ નુકસાન નહીં થાય પણ આના કારણે પાકિસ્તાનને બીજા દેશો પાસેથી જે આર્થિક સહાયતા મળે છે એમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે ભારતે દુનિયાને એ સંદેશ આપ્યો છે કે આતંકવાદ વિરૂદ્ધ ભારતે કડક પગલાં ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. આના કારણે પાકિસ્તાનથી આવતી ડ્યુટી ફ્રી સિમેન્ટની આયાત પર અસર પડી શકે છે. ભારત ખાંડ, ચા, ઓઇલ કેક, પેટ્રોલિયમ ઓઇલ, કોટન, ટાયર અને રબર સહિત 14 વસ્તુઓની પાકિસ્તાનમાં નિકાસ કરે છે. જોકે ભારત જમરૂખ, કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, સાઇક્લિક હાઇડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, પોર્ટલેન્ડ સિમેન્ટ, કોપર વેસ્ટ અને સ્ક્રેપ તેમજ કોટન યોર્નની પાકિસ્તાન પાસેથી આયાત કરે છે.