2019ની ચૂંટણીમાં પીએમ મોદી સામે `આ` છે સૌથી મોટો પડકાર, જાણો કારણ
: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના મોદી સરકારના પ્રયત્નો રંગ લાવી રહ્યા હોય તેવું દેખાય છે. એક પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારત સૌથી ઝડપથી વિક્સિત થતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે.
નવી દિલ્હી: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના મોદી સરકારના પ્રયત્નો રંગ લાવી રહ્યા હોય તેવું દેખાય છે. એક પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારત સૌથી ઝડપથી વિક્સિત થતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે. પરંતુ એક ચિંતાનો વિષય પણ છે. ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવો સરકાર માટે સમસ્યા પેદા કરશે. ખાસ કરીને 2019માં થનારી લોકસભા ચૂંટણી દરમિયાન તે એક મોટું ચૂંટણી મુદ્દો બની શકે છે.
ફ્રાન્સને પછાડીને નંબર 6 અર્થવ્યવસ્થા બન્યું
2 ટ્રિલિયન ડોલરથી મોટી અર્થવ્યવસ્થા, હાલમાં જ ફ્રાન્સને પછાડીને દુનિયાની 6ઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતનો વિકાસદર માર્ચ 2019માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 7.4 ટકા રહેશે. તેના આગામી વર્ષમાં આ દર 7.6 ટકાની આસપાસ રહેશે. સમાચાર એજન્સી રોયટર્સે 70 અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કર્યા બાદ આ તથ્યો રજુ કર્યા છે. આ પોલ 19થી 24 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અન્ય એક સર્વેમાં કહેવાયું કે ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરથી વધશે.
પેટ્રોલ-ડીઝલ ચિંતાનો વિષય
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો આ સકારાત્મક અનુમાન પર પાણી ફેરવી શકે છે. ઈંધણના ભાવો આસમાને છે જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે તે પોતાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે ગગડ્યો છે. ભારતના આયાત બિલમાં સૌથી મોટો ભાગ પેટ્રોલિયમ આયાત જ છે.
રિઝર્વ બેંક લોન મોંઘી કરી શકે છે
મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ ક્રુડ ઓઈલના ઊંચા ભાવોને સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. તેમને આશંકા છે કે રિઝર્વ બેંક ઈંધણના આ ભારના કારણે વ્યાજદરોમાં વધારો કરી શકે છે. જો ક્રુડ ઓઈલના ભાવોમાં 10 ડોલરનો પણ વધારો થયો તો તે ભારતીય અર્થવ્યવસ્થાને 40 આધાર અંક પાછળ ધકેલી દેશે. એએનઝેડમાં અર્થશાસ્ત્રી શશાંક મેંદીરત્તાએ કહ્યું કે ઈંધણના ઊંચા ભાવોથી ઈનપુટ કોસ્ટ વધશે.