નવી દિલ્હી: ભારતે પોતાની નેવીને મજબુત કરવા માટે અમેરિકા સાથે 24 એમએચ-60 'રોમિયો' એન્ટી સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માટે ગત સપ્તાહે ડીલ કરી છે. સમુદ્રમાં ચીનની વધતી તાકાતને રોકવા માટે છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ભારતને આ પ્રકારના હંટર હેલિકોપ્ટરની ખુબ જરૂર છે. આ ડીલ લગભગ 2 અબજ ડોલરની હશે પરંતુ આ ડીલની ખાસ વાત એ હશે કે ભારત પોતે જ 123 એન્ટી સબમરીન હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબમરીન પર અચૂક નિશાન હોય છે આ રોમિયોનું
રોમિયો અમેરિકાનું સૌથી એડવાન્સ એન્ટી સબમરીન હેલિકોપ્ટર ગણાય છે. સબમરીન પર તેનું અચૂક નિશાન હોય છે. દુનિયાના કેટલાક અન્ય દેશો પાસે પણ એન્ટી સબમરીન હેલિકોપ્ટર છે પરંતુ દરિયામાં ચીનના પડકારને જોતા ભારત માટે અમેરિકી એન્ટી સબમરીન હેલિકોપ્ટર રોમિયો પરફેક્ટ માનવામાં આવી રહ્યાં છે. આવામાં એન્ટી સબમરીન હેલિકોપ્ટર મેળવવા ખુબ જ જરૂરી બની ગયા છે. 


ભારતીય નેવી માટે મદદગાર સાબિત થશે 'રોમિયો'
એમએચ 60 રોમિયો સી-હોક હેલિકોપ્ટર અમેરિકી નેવીમાં કાફલામાં સામેલ છે. તેને દુનિયાના સૌથી અત્યાધુનિક હેલિકોપ્ટર ગણવામાં આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ આ હેલિકોપ્ટરને જહાજ, યુદ્ધજહાજ, અને વિમાનવાહક જહાજથી ઓપરેટ કરી શકાય છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનના આક્રમક વલણને જોતા ભારતને તેની તત્કાળ જરૂરીયાત છે. 


ટેક્નોલોજી ટ્રાન્સફર પર ભાર
ગત અઠવાડિયે ભારતે રશિયા સાથે વોરશિપ નિર્માણની એક ડીલ કરી છે. આ ડીલ હેઠળ રશિયા ગોવામાં બે યુદ્ધજહાજના નિર્માણમાં ભારતને મદદ કરશે. ભારત આ સાથે રશિયા જોડે આ યુદ્ધજહાજની ડિઝાઈન, ટેક્નોલોજી અને અન્ય નિર્માણ સામગ્રી માટે ડીલ કરી છે. આ યુદ્ધજહાજ અત્યાધુનિક મિસાઈલથી લેસ હશે. જહાજોનું નિર્માણ 2020માં શરૂ  થશે અને પહેલુ જહાજ 2026માં દરિયામાં ઉતરવા માટે તૈયાર થશે. જ્યારે બીજુ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. 


ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર ઉપર ખુબ ભાર મૂકી રહ્યું છે. છેલ્લા કેટલાક કેસોમાં ભારતની આ રણનીતિ ખુલીને સામે આવી છે. ભારતીય રેલવેએ પણ જાપાનને પ્રસ્તાવ મૂક્યો છે કે તેઓ બુલેટ ટ્રેનના ડબ્બા સ્થાનિક સ્તરે તૈયાર કરાવવા માટે ટેક્નોલોજી સહાયતા ઉપલબ્ધ કરાવે. રેલવેનું કહેવું છે કે એકવાર કોચ તૈયાર થયા બાદ ઓછા ખર્ચે તે ડબ્બાનું નિર્માણ કરીને સમગ્ર દુનિયામાં સૌથી સસ્તા કોચ તૈયાર કરાવી શકે છે.