ડોલર પાસે દબાયો રૂપિયો, 9 મહિનામાં 14 ટકાનો મહાકડાકો
માર્કેટ ઓપનિંગ સાથે રૂપિયો 72.91ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો
નવી દિલ્હી : દેશમાં ડોલર સામે રૂપિયાનું જબરદસ્ત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયાની કિંમતમાં 9 મહિનામાં 14 ટકાનો મહાકડાકોન નોંધાયો છે. આ સંજોગોમાં ઘટતા રૂપિયાના કારણે ઇકોનોમી સામે ઘણા પડકારો ઉભા થઇ રહ્યા છે. બુધવારે ડોલર સામે રૂપિયો નવી નીચલી સપાટી 72.91એ પહોંચ્યો હતો. ક્રૂડના વધતા ભાવ અને વિદેશી મૂડી બહાર જવાથી શરૂઆતના કારોબારમાં રૂપિયા 22 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો હતો. રૂપિયો મંગળવારે 24 પૈસા ઘટીને 72.69 પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આ પરિસ્થિતિ ઉભી થઈ હતી.
ડોલરની સરખામણીએ રૂપિયો બુધવારે પોતાના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. રૂપિયામાં કડાકાથી સૌથી વધુ તકલીફ સામાન્ય જનતાને પડી રહી છે. જેનાથી પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, જેનાથી સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગ પરેશાન છે. આ સંજોગોમાં રિઝર્વ બેંક પોતાના રેપોરેટમાં વધુ વધારો કરી શકે છે જેના પછી હોમ અને ઓટો લોન લેવી મોંધી થઈ જશે.
ડોલરની તુલનામાં રૂપિયો સતત ઘટાડા સાથે નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. જો કે વિશ્વભરમાં માત્ર રૂપિયો જ એવી કરન્સી નથી જેને ડોલરનો ડામ લાગ્યો હોય. અન્ય દેશોની કરન્સી પણ ડોલર સામે નબળી સાબિત થઈ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂપિયો 15.52 ટકા તૂટ્યો છે. ત્યારે અન્ય દેશોના ચલણનું તો 100 ટકા જેટલુ ધોવાણ થયું છે. ડોલરમાં સતત મજબૂતાઇની સાથે ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને તુર્કી તથા વેનેઝુએલામાં ચાલી રહેલા આર્થિક સંકટે ઘણા દેશોના ચલણની કમર તોડી નાંખી છે.