ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતથી શેર બજારમાં છપ્પરફાડ તેજી, ઈન્વેસ્ટરોને થયો 6 લાખ કરોડનો ફાયદો
Share Market Update: આજના ટ્રેડમાં માર્કેટ કેપ 343.45 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે પાછલા સત્રમાં 337.53 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ઈન્વેસ્ટરોની સંપત્તિમાં આજે મોટો વધારો થયો છે.
Stock Market Closing On 4 December 2023: કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપને ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી શાનદાર જીતને કારણે શેરબજાર રેકોર્ડ તેજીની સાથે બંધ થયું છે. સેન્સેક્સ 1400 પોઈન્ટ અને નિફ્ટી 430 પોઈન્ટના વધારા સાથે નવા ઐતિહાસિક હાઈ પર પહોંચ્યા છે. આજના સત્રમાં બેન્કિંગની સાથે સરકારી કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. ઈન્વેસ્ટરોની સંપત્તિમાં એક સત્રમાં 6 લાખ કરોડથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજનો કારોબાર સમાપ્ત થવા પર બીએસઈ સેન્સેક્સ 1384 પોઈન્ટના વધારા સાથે 68,865 પોઈન્ટ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 419 પોઈન્ટના વધારા સાથે 20686 પોઈન્ટ પર બંધ થયો છે.
સેક્ટરની સ્થિતિ
આજના સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક હાઈ પર પહોંચ્યા છે. તો બેન્ક નિફ્ટી પણ 1668 પોઈન્ટના વધારા સાથે ઐતિહાસિક હાઈ 46,484 પોઈન્ટ પર પહોંચ્યો છે. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ ઈન્ડેક્સ પણ પોતાના ઓલ ટાઈમ હાઈ પર ક્લોઝ થયા છે. આજના ટ્રેડમાં સરકારી અને ખાનગી બેન્કના શેરમાં તેજી જોવા મળી છે. સરકારી કંપનીઓમાં પણ મોટી ખરીદી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાં 25 તેજીની સાથે અને પાંચ ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે નિફ્ટીના 50 શેરમાં 45 તેજી સાથે અને પાંચ લાલ નિશાન સાથે બંધ થયા છે.
આ પણ વાંચોઃ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ તેજી, જાણો 18થી 24 કેરેટની કિંમત
રેકોર્ડ હાઈ પર માર્કેટ કેપ
શેર બજારમાં શાનદાર તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઐતિહાસિક હાઈ પર બંધ થયું છે. આજના ટ્રેડમાં માર્કેટ કેપ 343.45 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે પાછલા સત્રમાં માર્કેટ કેપ 337.53 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે આજના ટ્રેડમાં ઈન્વેસ્ટરોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube