આગામી સપ્તાહે બજારમાં જોવા મળશે ઉતાર-ચઢાવ, રોકાણકારોને રહેશે બજેટની પ્રતિક્ષા
ભારતીય શેર બજારમાં આગામી કારોબારી સપ્તાહ દરમિયાન ઉતાર-ચઢાવનો દોર જોવા મળી શકે છે, કારણ કે રોકાણકારોને આગામી બજેટની પ્રતિક્ષા રહેશે.
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં આગામી કારોબારી સપ્તાહ દરમિયાન વધ-ઘટનો દોર જોવા મળી શકે છે, કારણ કે રોકાણકારોને આગામી જનરલ બજેટ-2020ની પ્રતીક્ષા રહેશે. તો મહિનાનું છેલ્લુ સપ્તાહ હોવાને કારણે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) કરારની સમાપ્તિને કારણે બજારમાં વધ-ઘટ જોવા મળી શકે છે.
આ સિવાય, ઘણી મુખ્ય કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામ જાહેર થશે જેના પર બજારની નજર રહેશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને એક ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમન બજેટ 2020-2021 રજૂ કરશે. આ પહેલા 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, જેના પર બજારની નજર રહેશે.
આ શનિવારે ચાલું રહેશે બજાર
બજેટ શનિવારે રજૂ કરવામાં આવશે તેથી ઘરેલૂ શેર બજાર શનિવારે પણ ખુલ્લુ રહેશે. દેશની અર્થવ્યવસ્થાને મંદીના સમયમાંથી કાઢવા અને આર્થિક વિકાસને ગતિ આપવા માટે આગામી બજેટમાં નાણાપ્રધાન નવા ઉપાયોની જાહેરાત કરી શકે છે, જેની રોકાણકારોને પ્રતિક્ષા રહેશે.
આ સિવાય વિદેશી સંકેતો અને મુખ્ય આર્થિક આંકડાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને ડોલરના મુકાબલે રૂપિયાની ચાલથી પણ બજારને દિશા મળશે. જાન્યુઅરી સિરીઝના એફએન્ડઓ કરારની સમાપ્તિ ગુરુવારે થઈ રહી છે, ત્યારબાદ આગામી મહિનાની સિરીઝમાં કારોબારી પોતાની પોઝિશન બનાવશે, જેથી બજારમાં વધ-ઘટ જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube