ઇન્ફોસિસના નફામાં 30 ટકાનો ઘટાડો, કંપનીએ કર્યું બાયબેકનું એલાન
ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસના શુદ્ધ વેચાણમાં વર્ષના આધાર પર 20.3 ટકાનો વધારો થયો છે. તો ત્રિમાસીકગાળાના આધાર પર 3.8 ટકા વધીને 21,400 કરોડ રૂપિયા થઈ ગયો છે.
નવી દિલ્હીઃ ભારતની બીજી મોટી આઈટી કંપની ઇન્ફોસિસના નફામાં મોટો ઘટાડો થયો છે. ચાલુ નાણાકિય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો શુદ્ધ નફો 29.62 ટકા ઓછો થઈને 3610 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગત નાણાકિય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 5129 કરોડ રૂપિયા હતો.
ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસના શુદ્ધ વેચાણમાં વર્ષના આધાર પર 20.3 ટકાનો વધારો થયો છે. તો ત્રિમાસીકગાળાના આધાર પર 3.8 ટકા વધીને 21,400 કરોડ રૂપિયા થઈ ગયો છે.
રોયટર્સ પ્રમાણે વિશ્લેષકોએ આ ત્રિમાસીક ગાળા માટે 4131 કરોડ રૂપિયાના નફાનું અનુમાન લગાવ્યું હતું. ઇન્ફોસિસે કરન્સી ટર્મ્સમાં વર્ષ 2018/19 માટે રાજસ્વ અનુમાનનું લક્ષ્ય 8.5-9 ટકા રાખ્યું છે.
આ સાથે કંપનીએ 8260 કરોડના શેર બાયબેકની જાહેરાત કરી છે. ઇન્ફોસિસ પ્રતિ શેર 800 રૂપિયાના ાવથી શેરોની ખરીદી કરશે. કંપનીના ઈતિહાસમાં આ બીજું બાયબેક છે.
ગુરૂવારે બંબઈ સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર 0.58 ટકાના સામાન્ય વધારાથી 4 રૂપિયા મજબૂત થઈને 683.70ના સ્તરે બંધ થયો હતો. શેર બાયબેક માટે જે રકમ નક્કી કરવામાં આવી છે, તે આજના ભાવ કરતા 20 ટકા વધુ છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ શેરધારકોને આપવાના વિશેષ લાભ વિશે જાણકારી પણ આપી છે.
કંપનીએ પ્રતિ શેર 4 રૂપિયાનો વિશેષ લાભા આપવાની જાહેરાત કરી છે. લાભ વિતરણ માટે 25 જાન્યુઆરીના રેકોર્ડની તારીખ નક્કી કરવામાં આવી છે, જ્યારે ચુકવણીની તારીખ 28 જાન્યુઆરી રાખવામાં આવી છે.
ગત વર્ષે એપ્રિલ મહિનામાં કંપનીએ 13,000 કરોડ રૂપિયાના બાયબેક કર્યા હતા. આ સાથે કંપનીએ પ્રતિ શેર 10 રૂપિયાનો લાભ આપ્યો હતો. લાભાંશને કારણે કંપનીએ 2600 કરોડની ચુકવણી કરી હતી.