IPO Update: લોકસભાની ચૂંટણીઓ ચાલુ હતી ત્યારથી આ વખતે સ્ટોક માર્કેટ ખુબ ચર્ચામાં રહ્યું છે. ક્યારેક શેરના ભાવ અધધ વધ્યાં, તો ક્યારેક ભાવ સાવ તળીયે બેસી ગયાં. ક્યારેક રોકાણકારોએ કમાણી કરી તો ક્યારેક રોકાણકારો રાતા પાણીએ રડ્યા આ બન્ને સમાચારો ચર્ચામાં રહ્યાં. આ તમામની વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચના થઈ ગઈ છે. અને ફરી એકવાર રોકાણકારો માટે મોટી તક આવી રહી છે. કારણકે, આ વખતે એક સાથે બે ડઝનથી વધારે આઈપીઓ આવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. ETના રિપોર્ટ અનુસાર, લગભગ બે ડઝનેક કંપનીઓ આગામી 2 મહિનામાં IPO લાવવા જઈ રહી છે. જે કંપનીઓ આગામી 2 મહિનામાં IPO લાવવાની યોજના પર કામ કરી રહી છે, તેઓ આઇપીઓ દ્વારા બજારના રોકાણકારો પાસેથી 30 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ખુલતાની સાથે બજારમાં ગતિવિધિઓ ઝડપી બનશે ત્યારે રોકાણકારોને પણ કમાણીની ઘણી તકો મળવાની છે.


ચૂંટણી બાદ આઇપીઓ માર્કેટ ઇક્સિગોના ઇશ્યુ સાથે શરૂઆત થઇ ચૂકી છે. ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપનીનો આઈપીઓ આ સપ્તાહના પહેલા દિવસે સોમવારે ખુલ્યો છે. આજે ઇક્સિગોના આઇપીઓમાં બિડ કરવાની છેલ્લી તક છે. આ IPOને બજારમાં રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોમવારે ખુલ્યાના કલાકોમાં તે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપની આઇપીઓ મારફતે 740 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.


સેબીએ કેટલી કંપનીઓના IPOને આપી મંજૂરી?
પ્રાપ્ત માહિતી મુજબ, માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા 18 કંપનીઓના IPO પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. તેમના સિવાય લગભગ 37 કંપનીઓના ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર પાસે ફાઈલ કરવામાં આવ્યા છે. આ તમામ IPOનું કદ મળીને 50 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ 37 કંપનીઓમાંથી ઘણી કંપનીઓના ડ્રાફ્ટને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ સાથે આગામી એકથી બે મહિનામાં માર્કેટમાં આવનાર તમામ સંભવિત IPOનું સંયુક્ત કદ 30 હજાર કરોડ રૂપિયાને પાર કરી શકે છે.


કઈ-કઈ કંપનીના આવી રહ્યાં છે IPO?
જે કંપનીઓ આગામી એકથી બે મહિનામાં IPO લાવવા જઈ રહી છે તેમાં એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમક્યોર ફાર્માસ્યૂટિકલ્સ, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, આશીર્વાદ માઇક્રોફાઇનાન્સ, સ્ટેનલી લાઇફસ્ટાઇલ, વારી એનર્જી, પ્રીમિયર એનર્જિસ, શિવા ફાર્માકેમ, બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ, વન મોબેક્વિક સિસ્ટમ્સ અને સીજે ડાર્કલ લોજિસ્ટિક્સ વગેરેના નામ સામેલ છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા કોઈપણ શેરમાં કે આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપતું નથી. કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાત અથવા તમારા સલાહકારની સલાહ અચૂક લેવી.)