નવી દિલ્હીઃ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ સામાન્ય કરતાદાઓ પર બોજ વધારે છે. આ યોજના હેઠળ તેમણે દેશમાં થતા મોબાઈલ ફોનના ઉત્પાદનના દાવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ એટલે કે પીએલઆઈ યોજના સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ યોજનાની ઘણી મર્યાદાઓ ગણાવી છે. આ માટે તેમણે આઈફોનની કિંમતોનું ઉદાહરણ આપ્યું છે. તેમણે સમજાવ્યું છે કે શા માટે આઈફોન અમેરિકામાં 92,500 રૂપિયામાં મળે છે, જ્યારે ભારતમાં તેની કિંમત વધીને 1.29 લાખ રૂપિયા થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આઈફોન કેમ મોંઘો?
રાજને કહ્યું કે 2018માં મોબાઈલ ફોનની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં 20 ટકાનો વધારો કરાયો હતો. જેનાથી મોબાઈલ ફોનની કિંમતો વધી હતી. આ જ કારણ છે કે યુએસએની સરખામણીમાં ભારતમાં આઈફોન 13 પ્રો મેક્સની કિંમત 37 હજાર રૂપિયા એટલે કે 40 ટકા જેટલી વધુ છે. 


રાજને PLI સ્કીમ સામે ઉભા કર્યા સવાલ-
પીએલઆઈ સ્કીમ સામે સવાલ ઉઠાવતા રાજને કહ્યું છે કે, આ યોજના હેઠળ મોબાઈલ ફોન ઉત્પાદક કંપની ફોનના તમામ પાર્ટસની આયાત કરી શકે છે અને દેશમાં જ તેમનું એસેમ્બલિંગ કરી શકે છે. 
જેના કારણે દેશમાં ફક્ત મોબાઈલ ફોનનું એસેમ્બલિંગ જ વધી રહ્યું છે. તેમ છતા ઉત્પાદક આ યોજનાના તમામ ફાયદા મેળવી શકે છે. એટલે કે ખરા અર્થમાં દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન નથી વધતું. જેનો બોજ સામાન્ય કરદાતાઓ ઉઠાવી રહ્યા છે. કરતાદાઓ ફક્ત યોજનામાં જોડાયેલી ભારતીય કંપનીઓ જ નહીં, પણ ફોક્સકોન અને વિસ્ટ્રોન જેવી આંતરરાષ્ટ્રીય કંપની માટેની સબ્સિડીના બોજનું પણ વહન કરે છે. એ વાતની પણ કોઈ ગેરન્ટી નથી કે સબ્સિડીની સમયમર્યાદા બંધ થયા બાદ પણ વિદેશના ઉત્પાદકો દેશમાં ટકી રહે...રાજનનું કહેવું છે કે સબ્સિડી અને રક્ષણ મેળવવા માટે જ ઉત્પાદકો PLI યોજનામાં જોડાવા આતુર હોય છે. 


શું છે PLI સ્કીમ?
વિદેશી કંપનીઓને દેશમાં ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મોબાઈલ નિર્માતા કંપનીઓને ભારતમાં ફોન બનાવવા માટે સરકાર તરફથી પહેલા વર્ષે 6 ટકાનું વળતર આપવામાં આવે છે. વળતરનો આ દર ઘટીને પાંચમા વર્ષે 4 ટકા પર આવી જાય છે. જો કે સબ્સિડી માટેની શરત પણ હોય છે, જેમાં ઉત્પાદકોએ ઈન્ક્રીમેન્ટલ ઈનવેસ્ટમેન્ટ અને સેલ્સના ટાર્ગેટને પૂરા કરવા પડે છે. આ યોજના હેઠળ ભારતમાં બનાવવામાં આવતા મોબાઈલ ફોનની લઘુત્તમ કિંમત પર પણ કોઈ મર્યાદા નથી. રાજનનું માનએ તો ઉત્પાદકો મોબાઈલ ફોનના તમામ પાર્ટસ આયાત કરીને અને તેમને એસેમ્બલ કરીને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત રાજ્યો GSTમાં રાહત પણ આપતા હોય છે.