નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખરાબ સમાચાર છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં વેચાતી ચા કોફીના ભાવ વધારી દીધા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે હવે ચા કીટલીમાં સર્વ કરવામાં આવશે નહીં. રેલવેએ આ ફરમાન તમામ ઝોન માટે જારી કર્યુ છે. હવે ટી બેગ સાથે જે ચા મળે છે તે ચા (150 એમએલ)ની કિંમત 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દેવાઈ છે. સ્ટાન્ડર્ડ કોફીનો પણ આ જ રેટ કરાયો છે. જો કે રેડીમેડ (બનેલી) ચાની કિંમત 5 રૂપિયા જ રાખવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ આઈઆરસીટીસી (IRCTC) તરફથી આવ્યો હતો. જેને રેલવે બોર્ડે મંજૂર કર્યો છે. રેલવેનો એવો તર્ક છે કે આ વધારો મામૂલી છે. નિર્ણય જલદી લાગુ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીટલીથી ચા સર્વ કરવામાં આવશે નહીં
રેલવે બોર્ડે મોટો નિર્ણય એ પણ લીધો છે કે કીટલીમાંથી ચા આપવાનું ચલણ ખતમ કરવામાં આવશે. કારણ કે મુસાફરો બહુ ઓછુ આ રીતે ઓર્ડર કરે છે. બોર્ડનો તર્ક છે કે ખર્ચમાં ઘટાડો કરવા માટે આ ઉપાયો કરવામાં આવી રહ્યાં છે. કીટલીમાં 285 એમએલ ચા આવતી હતી. આ સાથે જ બે ટી બેગ આપવામાં આવતા હતાં અને બે શુગર પાઉચ. જેની કિંમત 10 રૂપિયા હતી. આ વ્યવસ્થાને ખતમ કરી દેવાઈ છે. બીજી બાજુ 285 એમએલ કોફી, ઈન્સ્ટન્ટ કોફી સેશે, અને બે શુગર પાઉચની કિંમત 15 રૂપિયા હતી તે પણ હવે બંધ કરાઈ છે. બોર્ડે નિર્દેશ આપ્યા છે કે લાઈસન્સ ફી બદલીને ભાવોને અનુરૂપ કરવામાં આવે. 



રાજધાની-શતાબ્દીમાં વ્યવસ્થા બદલાઈ નથી
આઈઆરસીટીસી લગભગ 350 ટ્રેનોમાં પેન્ટ્રી કારનું સંચાલન કરે છે. રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં મળતી સેવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે ફૂડ પેકેજ મળી રહ્યું છે તે હવે તે જ કિંમત પર મળશે. જો કે તે પ્રિપેડ હોય છે. 


રેલવે બદલશે IRCTCનું નામ
રેલમંત્રી પીયૂષ ગોયલ IRCTCનું નવું નામકરણ કરવા માંગે છે. તેઓ તેને એવું નામ આપવા માંગે છે જે નાનું અને કેચી હોય. ગોયલે રેલ ઓફિસરોને આઈઆરસીટીસીનું નામ નામ પસંદ કરવાની જવાબદારી સોંપી છે. આઈઆરસીટીસીના એક વરિષ્ઠ ઓફિસરે જણાવ્યું કે ફર્સ્ટ લેવલ કમિટીએ લગભગ 700 નામ પસંદ કર્યા છે. આ સૂચી હવે સેકન્ડ લેવલ કમિટીને મોકલવામાં આવી છે. જે એક નવુ નામ પસંદ કરશે અને જલદી IRCTCનું નામ બદલવામાં આવશે.