Vibrant Gujarat 2019: સ્ટાર્ટ અપ ક્ષેત્રે ગુજરાત રાજ્ય જાપાન સાથે સહયોગ કરશે: વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશ ને ગુજરાતના “જુના મિત્ર” તરીકે ગણાવ્યો હતો.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશ ને ગુજરાતના “જુના મિત્ર” તરીકે ગણાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે જે ગુજરાત માટે ગૌરવરૂપ છે એટલું જ નહીં આ કંપનીઓ મુડીરોકાણ ક્ષેત્રે ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની રહી છે આ કંપનીઓ પાસેથી પ્રેરણા લઈને અન્ય દેશની કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે પ્રવૃત્ત થઈ રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો
જાપાનના સ્ટેટ મિનીસ્ટર ઓફ ઇકોનીમી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી યોશીહિકો ઇસોઝાકી (Mr. YOSHIHIKO ISOZAKI)ના નેતૃત્વમાં આવેલા ૧૫ સદસ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાત અને ભારતમાં મૂડી રોકાણની તકો સંદર્ભે ચર્ચા કરી જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓ જાપાન ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. આ કંપનીઓ મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાનમાં સહયોગી બનવા ઈચ્છે છે. જાપાન ભારતના ભાવિ આર્થિક અને રાજનૈતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે પરસ્પરનો સહયોગ અને સહકાર ફળદાયી બનશે તેમ જણાવી પ્રતિનિધિમંડળના સદસ્યોએ ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આકાર લઈ રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી- ગિફ્ટ સીટીની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોના કેન્દ્ર તરીકે ઉભરી રહેલા ગિફ્ટ સિટીમાં જાપાનીઝ નાણાસંસ્થાઓ પણ જોડાય. મુખ્યમંત્રીએ જાપાનીઝ બેન્કોને પોતાની શાખા ગિફ્ટ સિટીમાં શરૂ કરવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં ડિફેન્સ, આઇટી, ફૂડ પ્રોસેસિંગ અને રેલવે જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે.
તેમણે એમએસએમઇ ક્ષેત્રને ગુજરાતની ઔદ્યોગિક તાકાત ગણાવી જાપાનીઝ કંપનીઓને રાજ્યના એમએસએમઇ ક્ષેત્રો સાથે જોડવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય આ ક્ષેત્રે જાપાનીઝ કંપનીઓના સહયોગથી લઘુ ઉદ્યોગોના વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરશે. આ પ્રસંગે ઇસોઝાકીએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે અનેક કંપનીઓ ઉત્સુક છે એમ જણાવી ગુજરાતના આતિથ્ય સત્કારથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી હતી.