નવી દિલ્હીઃ કોઈ પણ દેશનો પાસપોર્ટ દુનિયામાં એ દેશની 'સાખ'ને રજૂ કરે છે. 'શક્તિશાળી' પાસપોર્ટનો અર્થ એવો થાય છે કે, તમે કેટલા વધુ દેશોની યાત્રા વીઝા વગર કરી શકો છો. એટલે કે, શક્તિશાળી પાસપોર્ટ ધારકને 'વીઝા ઓન એરાઈવલ'ની સુવિધા આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારી પાસે જાપાનનો પાસપોર્ટ છે તો તમે તમારી જાતને સૌથી શક્તિશાળી જણાવી શકો છો, કેમ કે સમગ્ર દુનિયામાં જાપાનના પાસપોર્ટને 'શક્તિશાળી' પાસપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પાસપોર્ટની ગ્લોબલ ઈન્ડેક્સ રેન્કિંગ દ્વારા જાપાનના પાસપોર્ટને સૌથી વધુ વજનદાર એટલે કે શક્તિશાળી જણાવાયો છે. આ યાદીમાં હંમેશાંથી યુરોપિયન દેશોનો દબદબો રહ્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી એશિયાના દેશોએ પણ તેમાં સ્થાન મેળવ્યું છે. 


હેનલે (Henley) પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા વર્ષ 2018ના શક્તિશાળી વીઝાની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી અનુસાર, જાપાનનો પાસપોર્ટ આ ઈન્ડેક્સમાં સર્વોચ્ચ સ્થાને આવ્યો છે. જાપાનના પાસપોર્ટને 190 દેશમાં 'વિઝા ઓન એરાઈવલ'નો દરજ્જો મળેલો છે. જાપાને આ ટોપ પોઝિશન સિંગાપોરને પછાડીને પ્રાપ્ત કરી છે. 


સિંગાપોરના પાસપોર્ટ પર વીઝા મેળવ્યા વગર 189 દેશોની યાત્રા કરી શકાય છે. જાપાનના રેન્કિંગમાં આ વર્ષ મયાંમાર પાસેથી 'વિઝા ઓન એરાઈવલ'ની સુવિધા મળ્યા બાદ સુધારો થયો છે. આ રીતે, સિંગાપોર આ યાદીમાં પહેલા સ્થાનેથી ખસીને બીજા સ્થાને આવી ગયું છે, જ્યારે જર્મની બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. જર્મનીના પાસપોર્ટ પર 188 દેશની યાત્રા કરી શકાય છે. 


આ વર્ષે ફ્રાન્સ અને દક્ષિણ કોરિયાને મયાંમાર અને ઉઝબેકિસ્તાન દ્વારા 'વિઝા ઓન એરાઈવલ'ની સુવિધા આપવામાં આવી છે. ગયા વર્ષે આ યાદીમાં સિંગાપોર ટોપ પર હતું અને ત્યાર બાદ બીજા નંબરે જર્મની, ત્રીજા નંબરે સ્વિડન અને દક્ષિણ કોરિયા હતા. 


ભારતનું સ્થાન 75મું હતું અને ભારતનો વીઝા ફ્રી સ્કોર 51 હતો. અફઘાનિસ્તાન આ યાદીમાં સૌથી છેલ્લે હતું. તેની પાસે માત્ર 22 પોઈન્ટ હતા. 


2018માં ભારત 81મા સ્થાને
આ વર્ષે ઈન્ડેક્સમાં ભારતને 81મું સ્થાન મળ્યું છે. ભારતના પાસપોર્ટ પર 60 દેશની યાત્રાની મંજુરી છે. પડોશી દેશ પાકિસ્તાન 104થા સ્થાને છે. પાકિસ્તાનનો પાસપોર્ટ ધારક 33 દેશની યાત્રા કરી શકે છે. 



અમેરિકા અને બ્રિટન, બંને દેશ સંયુક્ત રીતે 5મા સ્થાને છે અને તેના પાસપોર્ટ પર 186 દેશની યાત્રા કરી શકાય છે. આ ઈન્ડેક્સમાં અંતિમ સ્થાને અફઘાનિસ્તાન અને ઈરાક છે. આ બંને દેશના પાસપોર્ટ પર માત્ર 30 દેશની યાત્રા કરી શકાય છે. 


રશિયા અને ચીનની વાત કરીએ તો બંને દેશ પોતાની બોર્ડર લાઈનને પકડીને બેઠા છે. રશિયા એક પોઈન્ટ નીચે ખસીને 46થી 47મા સ્થાને પહોંચ્યું છે. ચીનનું રેન્કિંગ પણ બે પોઈન્ટ નીચે ગયું છે અને તે 71મા સ્થાને આવ્યું છે. 


હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દુનિયાભરનાં દેશોનાં પાસપોર્ટને તેમનાં દેશોની કાયદેસરતાના આધારે રેન્કિંગ આપે છે. આ આંકડા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક્ઠા કરવામાં આવે છે.