આ અત્યંત ખુબસુરત ચહેરાની આજુબાજુ ઘૂમી રહી છે `રાફેલ ડીલ`, જાણો શું છે કનેક્શન?
2016માં 36 રાફેલ વિમાનોની ખરીદી અંગેની ડીલ પર દેશમાં ઘમસાણ ચાલી રહ્યું છે. સરકાર અને વિપક્ષ બંને એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. જો કે આ દરમિયાન રિલાયન્સ ડિફેન્સ એકદમ ચૂપ છે.
નવી દિલ્હી: 2016માં 36 રાફેલ વિમાનોની ખરીદી અંગેની ડીલ પર દેશમાં ઘમસાણ ચાલી રહ્યું છે. સરકાર અને વિપક્ષ બંને એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. જો કે આ દરમિયાન રિલાયન્સ ડિફેન્સ એકદમ ચૂપ છે. ફ્રાન્સીસી અખબાર મીડિયાપાર્ટમાં એક અહેવાલ પ્રકાશિત થયો અને ત્યારબાદ ભારતમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે મીડિયાપાર્ટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે રાફેલ ડીલમાં રિલાયન્સનું નામ ભારત સરકારે પોતે જ સૂચવ્યું હતું. આ નિવેદ બાદ મોદી સરકાર કોંગ્રેસના નિશાન પર આવી ગઈ અને તેમણે સરકાર પર આકરા પ્રહારો કરવા માંડ્યા.
એક ખુબસુરત ચહેરા પાછળ અનેક સવાલ
ખાસ વાત એ છે કે આ ડીલમાં નવા નવા નામ સામેલ થઈ રહ્યાં છે. પહેલા ફક્ત અનિલ અંબાણી અને સરકાર સુધી નામ સિમિત હતાં. પંરતુ ત્યારબાદ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ સામેલ થયું. અને હવે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદેની પ્રેમિકાનું નામ પણ આ ડીલ સાથે જોડાયું છે. આ સમગ્ર ડીલ પ્રેમિકાના નામની આગળ પાછળ ઘૂમી રહી છે. પરંતુ સવાલ એ છે કે આ છોકરી છે કોણ? તેનું ડીલ સાથે શું કનેક્શન... આવો સમજીએ....
રિલાયન્સ ડિફેન્સની પસંદગી કોણે કરી?
વાત જાણે એમ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદેએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે રાફેલ વિમાન બનાવવા માટે 58 હજાર કરોડ રૂપિયાની ડીલ માટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત સરકારે જ સૂચવ્યું હતું. ફ્રાન્સ પાસે તે વખતે કોઈ વિકલ્પ નહતો. જો કે આ અગાઉ સરકાર બિલકુલ વિરુદ્ધ નિવેદન આપતી રહી છે.
ઓલાંદેના નિવેદન પર વિવાદ
રાફેલ ડીલ વિવાદ પર ફ્રાન્સવા ઓલાંદેના નિવેદન બાદ ખુબ હંગામો મચી રહ્યો છે. જો કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસે ઓલાંદેને પણ નિશાન પર લીધા હતાં. કોંગ્રેસનો આરોપ છે કે રાફેલ ડીલ સાઈન થતા પહેલા ઓલાંદેની પ્રેમિકા જૂલી ગાયેટને ફાયદો પહોંચાડવામાં આવ્યો. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ફ્રાન્સવા ઓલાંદેના ભારત પ્રવાસ (જ્યારે રાફેલ ડીલ પર સંધિ થઈ)ના બે દિવસ પહેલા અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ઓલાંદેની પ્રેમિકા જૂલી ગાયેટ સાથે એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે ડીલ સાઈન કરી હતી.
ઓલાંદેની પ્રેમિકા સાથે ફિલ્મ સાઈન
ફિલ્મના ફાઈનાન્સ મેનેજમેન્ટ માટે જૂલી ગાયેટ, ફ્રાન્સવા ઓલાંદે અને ફિલ્મ માય ફેમિલીના નિર્માતા બધાએ જાહેરાત કરી કે ફિલ્મમાં રિલાયન્સની ભાગીદારીનો રાફેલ ડીલ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ ફિલ્મમાં પૈસા તે સમયે જ લગાવવામાં આવ્યા હતાં. હવે સવાલ એ ઉઠે છે કે 25 જાન્યુઆરી 2016ના રોજ જ્યારે રાફેલ ડીલ માટે ફ્રાન્સવા ઓલાંદે ભારત પહોંચ્યા ત્યારે જ અનિલ અંબાણીએ ફિલ્મ ફાઈનાન્સિંગની જાહેરાત કેમ કરી? જ્યારે રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે જે ફિલ્મમાં ન તો ભારતનો કોઈ રેફરસન્સ હતો કે ન તો ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની હતી તો એવી ફ્રેન્ચ ફિલ્મમાં રૂપિયા કેમ લગાવ્યાં.
કોણ છે જૂલી ગાયેટ?
ફ્રાન્સની ખુબસુરત અભિનેત્રીઓમાં જૂલી ગાયેટ પણ સામેલ છે. તે રાઈઝિંગ ફીમેલ ઓફ ફ્રેન્ચ પ્રોડ્યુસરની સૂચિમાં સામેલ છે. જો કે જૂલીને લોકો ત્યારથી વધુ ઓળખવા માંડ્યા જ્યારથી તેનું નામ પૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે સાથે જોડાયું. તે ઓલાંદેની પ્રેમિકા તરીકે ખુબ મશહૂર થઈ. જો કે આ અગાઉ તે એક સફળ અભિનેત્રી અને પ્રોડ્યુસર પણ છે. જૂલીએ પોતાની કેરિયરની શરૂઆત કો પ્રોડ્યુસર તરીકે કરી હતી. જૂલીની બે ફિલ્મો ઓસ્કર માટે નોમિનેટ પણ થઈ હતીં.
જૂલી અને રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ
45 વર્ષની જૂલી ગાયેટની સફળ ફિલ્મોમાં ક્વાઈ ડી ઓર્સે છે. આ ફિલ્મ ફ્રેન્ચ વિદેશ મંત્રાલય પર ક્રેન્દ્રિત હતી. આ ઉપરાંત શે વી ચુંબન જેવી ફિલ્મ પણ તેની લિસ્ટમાં સામેલ છે. આ સાથે જૂલીની માય બેસ્ટ ફ્રેન્ડ ફિલ્મ પણ ખુબ ચર્ચિત છે. આ એ જ ફિલ્મ છે જેમાં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે રાફેલ ડીલ પહેલા રૂપિયા લગાવવાની જાહેરાત કરી હતી.
રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ હતી કો પ્રોડ્યુસર
મીડિયાપાર્ટના એક રિપોર્ટ મુજબ આયેટ ત્રણ દિવસના પ્રવાસે દિલ્હી આવી હતી. અહીં તેણે ફિલ્મના ફંડિંગ સંબંધિત ડીલ કરી હતી. રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે 1.6 મિલિયન યૂરોની તે સમયે ફંડિંગ કરી હતી. જો કે ફિલ્મનું કુલ ફંડિગ 10 મિલિયન યૂરો હતું. ગાયેટે મીડિયાપાર્ટને જણાવ્યું કે આ રોકાણ માય ફેમિલી પહેલ હેઠળ કરાયુ હતું.
ઓલાંદેએ કરી સ્પષ્ટતા
જૂલી ગાયેટનું નામ આવતા ફ્રાન્સવા ઓલાંદેએ તેના ઉપર પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તમારો પાર્ટનર તેના પ્રોફેશનમાં શું કરે છે, તે જરૂરી નથી કે તમને ખબર હોય. પારામોર પિલ્મ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે હું કલ્પના પણ ન કરી શકું કે રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટને જૂલીની ફિલ્મ સાથે કનેક્શન હતું અને તેમનું રાફેલ ડીલ સાથે.
2012માં મળ્યા હતાં ઓલાંદે અને ગાયેટ
રિપોર્ટ્સ મુજબ ફ્રાન્સવા ઓલાંદ અને જૂલી ગાયેટ વચ્ચે 2012માં અફેર શરૂ થયું હતું. જો કે તેમણે આ અફેરનો સ્વીકાર જાહેરમાં 2014માં કર્યો હતો. એક ફોટોગ્રાફરે બંનેની ચોરીછૂપેથી તસવીર લઈ લીધી હતી. તે વખતે ઓલાંદે અને ગાયેટ એક ટ્રિપ પર હતાં. જ્યાં સિક્યુરિટી ચુસ્ત હતી પરંતુ આમ છતાં ફોટોગ્રાફર ફોટો લેવામાં સફળ રહ્યો. જો કે ચર્ચા ત્યારે વધી જ્યારે ઓલાંદે પત્ની વેલરી ટ્રિયરવિલર સાથે ડિવોર્સ લીધા.