Gold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના  ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ સોનામાં છેલ્લા છ કારોબારી સત્રોથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગયો છે. લેટેસ્ટ  ભાવ ખાસ ચેક કરી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું શુક્રવારે ઓપનિંગ રેટમાં ભારે કડાકા સાથે જોવા મળ્યું હતું. સોનાના ઓપનિંગ રેટ 706 રૂપિયા તૂટીને 73,273 રૂપિયાની સપાટીએ જોવા મળ્યા. જે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં પણ ઘટાડા સાથે જ બંધ થયા. સાંજે સોનું 33 રૂપિયાના ઘટાડા સાથે 73,240 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ ઓપનિંગ રેટમાં 647 રૂપિયા તૂટીને 67,118 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું જે ક્લોઝિંગ રેટમાં 30 રૂપિયા તૂટીને 67,088 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું હતું. 



ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ઓપનિંગ રેટમાં ચાંદીમાં 2,255 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 89,300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. જ્યારે સાંજે ક્લોઝિંગ રેટમાં બીજા 317 રૂપિયા ઘટ્યા અને ભાવ 88,983 રૂપિયાના સ્તરે પહોંચેલો જોવા મળ્યો. 



MCX પર શું છે ભાવ
MCX પર ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું આ અઠવાડિયે 73,016 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. ચાંદીની વાત કરીએ તો તે 89,675 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ. કોમેક્સ પર ગોલ્ડ આ અઠવાડિયે 2400 ડોલરની ઠીક નીચે બંધ થયું. ચાંદી  29.40 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ થઈ. ડોલર ઈન્ડેક્સ હાલ ચાર મહિનાના નીચલા સ્તરે છે. બજારના જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ અને ડોમેસ્ટિક બજારમાં જ્વેલર્સ તરફથી માંગમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. 


ઉપરી સ્તર પર સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ
કોટક સિક્યુરિટીઝના કોમોડિટી રિસર્ચ AVP કાયનાત ચેનવાલાએ કહ્યું કે ચીન સાથે ટેરિફ  યુદ્ધ અને અન્ય જિયો પોલિટિકલ ફેક્ટર્સના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે. જેના કારણે પણ ભાવમાં થોડો ઘટાડો આવ્યો છે. જાણકારોનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ પ્રમુખે રેટ કટની વાત કરી છે. આવામાં આવનારા સમયમાં ગોલ્ડનો આઉટલુક વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.