સરકારના દાવાની પોલ ખુલી, ગામમાં વીજળી નથી છતાં લોકોને પકડાવ્યાં વીજ બિલ
પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે (28 એપ્રિલ)ના રોજ ટ્વિટ કરીને દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી હોવાનો દાવો કર્યો હતો.
વિદિશા/ભિંડ: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે (28 એપ્રિલ)ના રોજ ટ્વિટ કરીને દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી હોવાનો દાવો કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે મણિપુરના સીમાંત ગામ લેઈસાંગ સહિત દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી છે. ભારતની વિકાસ યાત્રામાં 28 એપ્રિલ 2018નો દિવસ ઐતિહાસિક દિવસ તરીકે યાદ કરવામાં આવશે. અહીં પીએમ મોદીની ટ્વિટ અંગે એટલા માટે જણાવી રહ્યાં છે કારણ કે અમે મધ્ય પ્રદેશના બે એવા ગામો વિશે જણાવવા જઈ રહ્યાં છે જ્યાં વીજળી છે જ નહીં.
વિદિશાથી 70 કિમી દૂર ત્યોંદા પંચાયતના બડીબીર ગામમાં લોકોએ આઝાદી બાદથી વીજળી જોઈ જ નથી. આ ગામમાં લગભગ 80 આદીવાસી પરિવારો રહે છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં વીજ વિભાગે દરેક પરિવારને વીજળીનું બિલ થમાવી દીધુ છે. ગ્રામીણ બારેલાલ જણાવે છે કે અમે લોકો 30 વર્ષથી અહીં રહીએ છીએ. આજ સુધી વીજળીના દર્શન થયા નથી. તેમણે કહ્યું કે ગામમાં વીજળીની આશામાં અમારા વાળ સફેદ થઈ ગયાં. પરંતુ વીજળી ન આવી પરંતુ વીજળીનું બિલ જરૂર આવી ગયું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે વીજળી વિભાગ સૂરજ પાસેથી મળતા અજવાળાનું બિલ વસૂલી રહ્યું છે. નોંધનીય છે કે આ ગામ ત્યોંદા પંચાયતમાં આવે છે. આ ત્યોંદા ગામને સાંસદ આદર્શ ગામ હેઠળ વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરે દત્તક લીધુ હતું.
ગ્રામીણ સીતારમનું કહેવું છે કે વીજળીની માંગને લઈને કલેક્ટરથી લઈને જનપ્રતિનિધિઓના ચક્કર લગાવી ચૂક્યા છીએ. પરંતુ આશ્વાસન સિવાય કશુ મળ્યું નથી. તેમણે કહ્યું કે નેતા ફક્ત ચૂંટણી સમયે આવે છે. આ મામલે જ્યારે એડીએમ જેપી વર્માને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે મામલો ધ્યાનમાં આવ્યો છે. તેની તપાસ કરાવવામાં આવશે. જ્યાં વીજળી જ નથી ત્યાં વીજળીનું બિલ પકડાવી દેવું તે ખોટુ છે. વીજળી વિભાગને કાર્યવાહી માટે આદેશ આપવામાં આવશે.
બીજી બાજુ ભિંડ જિલ્લાના ગોહદ ગામમાં પણ આવું જ છે. પીએમ મોદીના આ દાવાને આ ગામની સચ્ચાઈ જાણે ઠેંગો બતાવી રહી છે. આ ગામના લોકો આઝાદીના 70 વર્ષ બાદ પણ વીજળી માટે તરસી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી લાલસિંહ આર્યના વિધાનસભા ક્ષેત્રના સીમાંત વિસ્તાર ભયપુરા, ચિલમનપુરા, કલ્યાનપુરા, ડિરમન, પાલી, બરૌઓ, છંરેટા સહિત અડધા ડઝન ગામમાં વીજળીના થાંભલા સુદ્ધા લાગ્યા નથી. લોકોએ અનાજ પીસાવવા માટે પચ્ચીસ કિલોમીટર દૂર સુધી જવુ પડે છે. અહીંના ગ્રામીણોના ઘરમાં ફ્રિઝ, કુલર, અન્ય વીજળીના ઉપકરણો નથી. જે ઘરોમાં લગ્ન પ્રસંગે લોકોને ફ્રીઝ વગેરે સાધનો આપવામાં આવ્યાં છે ત્યાં તેનો ઉપયોગ કપડા મૂકવા માટે થઈ રહ્યો છે. વીજળી ન હોવાના કારણે અહીંના યુવકોના લગ્ન પણ થઈ શકતા નથી. લોકો પોતાની પુત્ર આપતા કતરાય છે.
ગ્રામીણ ભગીરથે કહ્યું કે અહીંના લોકોમાં ખુબ આક્રોશ છે. આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધી વીજળી ન પહોંચી તો તમામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે. ડરમન ગામના સરપંચ શ્રીકૃષ્ણ શર્માએ કહ્યું કે તેમના વિસ્તારના ધારાસભ્ય મંત્રી છે અને આમ છતાં ગામની આ હાલત છે. જ્યારે આ મામલે વીજ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે દરેક ગામમાં જલદી વીજળી પહોંચશે. પીએમ મોદીના સપનાને પૂરું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.