આ કાર કંપનીના ડીલર થશે માલામાલ, `આ` રીતે વધશે કમાણી
મારુતિ ઓટો પાર્ટસ સપ્લાયરને એક જોરદાર વિકલ્પ આપી રહ્યો છે
નવી દિલ્હી : કોઈપણ કાર કંપની અથવા તો ઓટો કંપનીમાં ડીલરને સૌથી વધારે કમાણી ગાડીની સર્વિસથી થતી હોય છે. જોકે હવે મારુતિ સુઝુકીના ડીલરની કમાણીમાં સારો એવો વધારો થશે. દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકીએ પોતાના ડીલરની કમાણી વધારવા માટે વિશેષ કવાયત હાથ ધરી છે. આ અતંર્ગત કંપની પોતાના ઓટો પાર્ટસ સપ્લાયરને મારુતિના ડીલરના માધ્યમથી પોતાના પાર્ટસ સીધા વેચવાનો વિકલ્પ આપશે. આ બદલામાં મારુતિ પાર્ટસ સપ્લાયર કંપની રોયલ્ટી તરીકે કંઇક કમિશન લેશે. આ રીતે ડીલર પાસે કમાણીનો શાનદાર વિકલ્પ હશે.
લાઇવ મિંટના સમાચાર પ્રમાણે કંપની સાથે જોડાયેલા બે લોકોએ નામ ન પ્રકાશિત કરવાની શરત પર માહિતી આપી છે કે આ વિકલ્પમાં પાર્ટસ સપ્લાયર કંપની જેવી કે ટાયર કંપની, એન્જિન ઓઇલ કંપની પોતાના ઉત્પાદન સીધા મારુતિના ડીલર કે સર્વિસિંગ સેન્ટરના માધ્યમથી વેચી શકશે. આના બદલામાં મારુતિ પોતાના સપ્લાયર પાસેથી નિશ્ચિત રકમ લેશે. આમ, આ વિકલ્પ બંને પક્ષ માટે ફાયદાકારક સાબિત થશે.
કંપની સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષમાં કારની ક્વોલિટીમાં તેજી આવી છે. હકીકતમાં મારુતિ સુઝુકી પ્રીમિયમ સેગ્મેન્ટ મજબૂત બન્યું છે જેના કારણે કારની ગુણવત્તા ઘણી સારી થઈ ગઈ છે. આ સંજોગોમાં કારની સર્વિસિંગની જરૂર ઓછી પડશે. આ સંજોગોમાં ડીલરની કમાણી વધારવા માટે આ પગલું એક સારી પહેલ છે. ડીલર હાલમાં પોતાના નફાનો 70 ટકા હિસ્સો ગાડીઓની સર્વિસિંગથી મેળવે છે.