SBIનો મોટો ખુલાસો, બેંક સાથે થઈ અધધધ 8000 કરોડ રૂપિયાની છેતરપિંડી
ભારતીય સ્ટેટ બેંક (SBI)ની ગણતરી દેશની સૌથી મોટી બેંક તરીકે થાય છે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)માં ચાલુ નાણાંકીય વર્ષના શરૂઆતના નવ મહિનામાં (એપ્રિલ - ડિસેમ્બર 2018) દરમિયાન કુલ 7,951.29 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલા નોંધાયા છે. એસબીઆઇએ શેરમાર્કેટને આપેલી સૂચનામાં કહ્યું છે કે આ તમામ ખાતા બહુ પહેલાં એનપીએ બની ગયા હતા.
આ મામલા વિશે એસબીઆઇએ કહ્યું છે કે દરેક ત્રિમાસિક તબક્કામાં છેતરપિંડીના મામલાઓ નોંધાઈ રહ્યા છે અને અમે એના પર ધ્યાન આપી રહ્યા છીએ. બેંક આ છેતરપિંડીના મામલાતમાં તમામ નિર્ધારીત દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે. આ મામલાઓમાં વસુલી માટે કાયદાકીય પ્રક્રિયા અને સમાધાન પ્રક્રિયા ચાલી રહી છે.
બેંકે માહિતી આપી છે કે પહેલા ત્રિમાસિક તબક્કામાં કુલ 723.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના 669 મામલા સામે આવ્યા હતા. બીજા ત્રિમાસિક તબક્કામાં 4832.42 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશેના 660 પ્રકરણ પ્રકાશમાં આવ્યા છે. ત્રીજા ત્રિમાસિક તબક્કામાં 2395.81 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડીના 556 કિસ્સા સામે આવ્યા છે.