CONFIRM : લંડનમાં જ છે નીરવ મોદી, બ્રિટીશ એજન્સીનો મોટો ખુલાસો
CBIએ બ્રિટીશ સરકાર પાસે નીરવ મોદીના પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે
નવી દિલ્હી : દેશના સૌથી મોટા બેકિંગ ગોટાળાને સર્જનાર નીરવ મોદીના ઠેકાણાની આખરે ખબર પડી ગઈ છે. બ્રિટનની એજન્સીઓએ કન્ફર્મ કર્યું છે કે નીરવ મોદી લંડનમાં જ છે. યુકે ઓથોરિટીએ ભારત સરકાર અને એજન્સીઓને જાણકારી આપી છે કે નીરવ મોદી લંડનમાં છે. મળતી માહિતી પ્રમાણે તે શરૂઆતથી જ લંડનમાં જ હતો પણ જાણકારી ન હોવાના કારણે એજન્સીઓ એની અન્ય જગ્યાએ હોવાની સંભાવના ચકાસી રહી હતી. નીરવ મોદીના ઠેકાણાની ખબર પડતા જ CBIએ બ્રિટન સરકાર પાસે નીરવ મોદીના પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે.
સીબીઆઇએ બે દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે આરોપી નીરવ મોદી ભારતીય પાસપોર્ટ પર ખુલ્લેઆમ પ્રવાસ કરી રહ્યો છે. નીરવ મોદી પાસે છ પાસપોર્ટ હોવાની જાણકારી મળ્યા પછી ભારતીય એજન્સીઓને એક બીજી મોટી માહિતી મળી છે. સીબીઆઇના સુત્રોએ બે દિવસ પહેલા જ માહિતી આપી હતી કે નીરવે હાઇ સ્પિડ ટ્રેન મારફતે લંડનથી બ્રસેલ્સનો પ્રવાસ કર્યો હતો. નીરવે આ યાત્રા દરમિયાન પ્લેનથી પ્રવાસ કરવાને બદલે ટ્રેનથી જવાનું વધારે મુનાસીબ માન્યું હતું.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ભારતીય અધિકારીઓએ આ વિશે યુરોપિયન ઇમિગ્રેશન ઓથોરિટી પાસેથી નીરવ મોદીના પાસપોર્ટના આધારે બ્રસેલ્સની ટ્રિપની જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે નીરવ મોદીનો પાસપોર્ટ 24 ફેબ્રુઆરીએ રદ થઈ ચૂક્યો છે. આ પહેલાં ભારતીય એજન્સીઓને માહિતી મળી હતી કે ગોટાળાના આરોપી નીરવ મોદી પાસે ઓછામાં ઓછા 6 ભારતીય પાસપોર્ટ છે. આમાંથી એક રદ થઈ ગયો છે અને બે સક્રિય છે. આ સિવાય બાકીના પાસપોર્ટ સક્રિય થઈ શક્યા નથી.
વિશેષ અદાલતે હીરાના બિઝનેસમેન નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીને સમન મોકલ્યા છે. આ બંનેને નવા કાયદા અંતર્ગત 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ બંને વિરૂદ્ધ 13,400 કરોડ રૂ.ની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે અને આ મામલે કાર્યવાહીનો આગ્રહ કર્યો છે.