તમારું ડેબિટ કાર્ડ બની જશે પ્લાસ્ટિકનો ટુકડો જો...
ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે મહત્વની સૂચના જાહેર કરી છે
નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે એક મહત્વની સૂચના જાહેર કરી છે. તેણે પોતાના તમામ ગ્રાહકોને કહ્યું છેકે જો તેમની પાસે મેગસ્ટ્રિપવાળું ડેબિટ કાર્ડ હોય તો બને એટલું જલ્દી એને બદલી નાખે. એસબીઆઇએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. બેંકે કહ્યું છે કે ભારતીય બેંકના દિશાનિર્દેશ પ્રમાણે આ કાર્ડને બદલવું જરૂરી છે. આની જગ્યાએ તમારે નવું ઇએમવી ચિપ ડેબિટ કાર્ડ લેવું પડશે. આ કામ માટે તમારી પાસે 2018 સુધીનો સમય છે.
એસબીઆઇએ પોતાની ટ્વીટમાં માહિતી આપી છે કે આ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં દેવો પડે. તમે મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડને સરળતાથી ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલી શકો છો. એસબીઆઇએ આપેલી માહિતી પ્રમાણે જો તમારે મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ બ્લોક થઈ ગયું હોય તો તમે એને અનબ્લોક નહીં કરી શકો અને એના બદલે નવું અપગ્રેડેડ ચિપવાળું ડેબિટ કાર્ડ લેવું પડશે.
મેગ્નેટિક સ્ટ્રિપને સ્વાઇપ કાર્ડ પણ કહેવામાં આવે છે. એને મેગ્નેટિક રીડિંગ હેડ સામે રાખીને સ્વાઇપ કરી શકાય છે. આની ઓળખ કાર્ડ પાછળ રાખેલી મેગ્નેટિક સ્ટ્રિપથી કરી શકાય છે. EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા તો આઇસી કાર્ડ પણ કહેવામાં આવે છે. આ મેગ્નેટિક સ્ટ્રિપની જગ્યાએ ઇન્ટિગ્રેડેટ સર્કિટમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. આની ઓળખ કાર્ડના ફ્રન્ટ પર લાગેલ ચિપ પરથી કરી શકાય છે.