ઓનલાઇન શોપિંગ કરો છો? જલ્દી બંધ થઈ જશે મળતો મોટો લાભ
સરકાર ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર નજર રાખી રહી છે
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ પરથી શોપિંગ કરવાનું ચલણ વધ્યું છે. યુવાનોમાં ઓનલાઇન શોપિંગની વધેલી લોકપ્રિયતાનું કારણ છે મસમોટા ડિસ્કાઉન્ટ. જોકે હવે આ ડિસ્કાઉન્ટ પર તવાઈ આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ તરફથી આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ્સ પર ચાંપતી નજર રાખવાની તૈયારી કરી રહી છે.
સરકારે ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટને સંબંધિત પક્ષો સમક્ષ ચર્ચા માટે રજુ કર્યું. આમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે, આ પ્રકારની છૂટને એક નિશ્ચિત સમય પછી રોકી દેવી જોઈએ જેથી સેક્ટરનું નિયમન કરી શકાય. ફૂડ ડિલિવરી સાઈટ્સ જેમ કે સ્વિગિ અને ઝોમેટોને પણ આમાં શામેલ કરવાની વાત કરવામાં આવી છે. ઓનલાઈન સર્વિસ એગ્રિગેટર્સ જેમ કે અર્બલ ક્લેપ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ તેમજ પેમેન્ટ એપ્લિકેશન્સ Paytm અને પોલિસીબાઝારને પણ આ નિયમ અંતર્ગત લાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
અત્યારે ભારતમાં ઈ-કોમર્સનું માર્કેટ 25 અબજ ડોલરનું છે, જે ક્રમશ: 200 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. આ વિકાસ જોઈને દિગ્ગજ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને રિટેલ પ્લેયર્સ વaલમાર્ટ, સોફ્ટબેન્ક, અલીબાબા, ટાઈગર ગ્લોબલ અને ટેંસેંટ જેવી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.