ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરી વિવાદમાં ઘેરાયેલા છે. તેમના પર આરોપ છે કે સંસદમાં તેમણે પૈસા લઈને અદાણી ગ્રુપ અંગે સવાલ પૂછ્યા છે. આ મામલે રાજકારણ ખુબ ગરમાઈ રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપથી અંતર બનાવ્યું છે. રાજ્ય સરકારે અદાણી ગ્રુપ પાસેથી 25 હજાર કરોડનો તાજપુર પોર્ટ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છીનવી લીધો છે. મંગળવારે સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે તાજપુર સમુદ્રી પોર્ટ પ્રોજેક્ટને વિકાસ કરવા માટે જલદી એક ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ અગાઉ આ પ્રોજેક્ટનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જ્યારે તાજપુર પોર્ટને વિક્સિત કરવાનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું ત્યારે રાજકીય ચર્ચાઓ પણ ચગડોળી ચડી હતી. એવું કહેવાઈ રહ્યું હતું કે એકબાજુ વિપક્ષ અદાણી ગ્રુપ પર આક્રમક છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર મોટા પ્રોજેક્ટનું કામ તે જ ગ્રુપને સોંપી રહી છે. હકીકતમાં મમતા સરકારે થોડા મહિના પહેલા જ તાજપુર પોર્ટ વિક્સિત કરવા માટે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને આશયપત્ર બહાર પાડવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. તેનાથી અદાણી ગ્રુપને બંગાળમાં 25 હજાર કરોડના રોકાણનો રસ્તો સાફ થયો હતો. 


જો કે હવે  સરકારે અદાણી પોર્ટને સોંપવામાં આવેલા આશયપત્ર  (LoI) ને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ જ કારણ છે કે મંગળવારે  સીએમ મમતા બેનર્જીએ પોતે સ્પષ્ટ કર્યું કે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. એટલે કે કોઈ પણ કંપની હરાજીમાં સામેલ થઈ શકે છે અને બોલી લગાવી શકે છે. સીએમ મમતા બેનર્જીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્ધાટન કાર્યક્રમમાં આ જાહેરાત કરી. 


મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર અદાણી પોર્ટ્સને સોંપેલા આશયપત્ર સોંપ્યાના એક વર્ષ બાદ આ પ્રોજેક્ટ માટે નવી બોલીઓ મંગાવવા માટે જલદી ટેન્ડર પ્રક્રિયા ખોલશે. મમતા બેનર્જીએ કહ્યું કે તાજપુરમાં પ્રસ્તાવિત ઊંડો સમુદ્રી પોર્ટ તૈયાર છે. તમે બધા પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. તે લગભગ 25000 કરોડ રૂપિયાના રોકાણને આકર્ષિત કરશે. મમતાની જાહેરાત બાદ આ પ્રોજેક્ટના ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ છે. 


અત્રે જણાવવાનું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2022માં ભાગ લીધો હતો અને 10 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતે કોલકાતામાં અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીને આ પ્રોજેક્ટને ડેવલપ કરવ માટેનો એલઓઆઈ સોંપ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે બંગાળ સરકારની બિઝનેસ ઈવેન્ટમાં અદાણી ગ્રુપમાંથી  કોઈએ પણ ભાગ લીધો નહીં. 


ન્યૂઝ એજન્સી મુજબ મંગળવારે વાર્ષિક બે દિવસની બિઝનેસ સમિટનો પહેલો દિવસ હતો, જેમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, જર્મની, અને ફ્રાન્સ સહિત 17 દેશોની સેંકડો કંપનીઓ ભાગ લઈ રહી છે. સીએમ મમતા બેનર્જીએ સમિટનું ઉદ્ધાટન કર્યું અને રાજ્યના નિકાસને બમણું કરવા, પોતાના લોજિસ્ટિક્સને આધુનિક બનાવવા અને રિન્યુએબલ ઉર્જાના વિનિર્માણને પ્રોત્સાહન આપવાની યોજનાઓ સહિત અનેક નવી નીતિઓની જાહેરાત કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube