Xiaomiએ મેરઠની આ વ્યક્તિને બનાવ્યો 320 કરોડ રૂ.નો માલિક, આવી રીતે મળ્યો ફાયદો
મનુ જૈન યુપીના સાધારણ પરિવારના છે
નવી દિલ્હી : ચીનની કંપનીએ ભારતની એક વ્યક્તિને 320 કરોડ રૂ.નો માલિક બનાવી દીધો. હકીકતમાં ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી (Xiaomi) હોંગકોંગના શેરબજારમાં લિસ્ટ થઈ ગઈ છે. શેરબજારમાં લિસ્ટિંગ પછી શેર્સમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. જોકે આ ઘટાડા છતાં પણ ઉત્તર પ્રદેશના મેરઠ નિવાસી મનુ જૈનને 320 કરોડ રૂ.નો ફાયદો થયો છે.
યુપીના બેહદ સાધારણ પરિવારનો મનુ જૈન શાઓમી ઇન્ડિયાનો એમડી અને ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ છે. કંપનીએ થોડા સમય પહેલાં તેને 2.29 કરોડ રૂ.ના શેર્સ આપ્યા છે. લિસ્ટિંગ પછી આ શેર્સની કિંમત લગભગ 320 કરોડ રૂ. થઈ ગઈ છે. આટલા વધારાનો મનુને પણ અંદાજ નહોતો. મનુએ આઇઆઇટી દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી ટેકનો કોર્સ કર્યો છે. તેણે 2007માં આઇઆઇએમ કોલકાતામાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો્ છે.
આ સમયે સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી ભારતમાં પાયો ખોદી રહી હતી. શાઓમીએ ભારતમાં એન્ટ્રી વખતે મનુ જૈનની કન્ટ્રી હેડ તરીકે નિમણુંક કરી હતી. મનુએ આ કંપનીને ભારતીય માર્કેટમાં એટલી લોકપ્રિય કરી દીધી કે આજે તે ભારતમાં સૌથી વધારે સ્માર્ટફોન વેચે છે. હાલમાં જ કાઉન્ટર પોઇન્ટ તરફથી જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે 2018માં પહેલાં ત્રિમાસિક તબક્કામાં Xiaomiએ સેમસંગને પછાડીને 31 ટકા માર્કેટ શેર પર કબજો કરી લીધો છે.