મારુતિ સુઝુકીએ પોતાના 640 વ્હીકલને કર્યા રિકોલ, ગાડીમાં છે આ મોટી ખરાબી
વાહનની ખરાબીને એક પૈસાના ખર્ચ વગર રિપેર કરી શકાશે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાના લાઇટ કોમર્શિયલ વ્હીકલ (LCV) સુપર કેરી મિની ટ્રકને રિકોલ કર્યા છે. કંપનીએ માહિતી આપી છે કે કંપનીએ 20 જાન્યુઆરી, 2018થી 14 જુલાઈ, 2018 વચ્ચે બનેલા ટ્રકને ઐચ્છિક રીતે રિકોલ કર્યા છે. આના ફ્યુઅલ પંપ એસેમ્બલીમાં ખામી હોવાની આશંકા છે. મારુતિ સુઝુકીએ કહ્યું છે કે વ્હીકલના માલિક મારુતિ સુઝુકીના ડીલર્સનો સંપર્ક કરે જેથી એમાં કોઈ ખરાબી હોય તો રિપેરીંગ થઈ જશે. ગ્રાહકોને આ પ્રક્રિયા માટે એક રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે.
જે લોકો માટે સુપર કેરી ટ્રક છે એ પણ આ વાતની તપાસ કરી શકે છે કે તેમનું વાહન રિકોલ અંતર્ગત આવે છે કે નહીં. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને 'કસ્ટમર ઇન્ફો' પર ક્લિક કરવું પડશે. અહીં તમારો ગાડીનો ચેસિસ નંબર આપવો પડશે જેના આધારે તમારી ગાડી રિકોલ હેઠળ આવે છે કે નહીં એની માહિતી મળી શકે.
સુપર કેરી ટ્રકના રિકોલના સમાચારથી મારુતિ સુઝુકીના શેર આજના દિવસે કારોબાર દરમિયાન 7,211.15 રૂ.ના સ્તર સુધી આવી ગયો હતો. આજના બિઝનેસ દરમિયાન મારુતિ શેર 7,410 રૂ.ના સ્તર સુધી પહોંચ્યો હતો.