એચડીએફસી બેંકેએ વડોદરામાં શરૂ કરી આ સેવા, ગ્રાહકો 15થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે
આ રોગચાળા સામે અથાક પરિશ્રમ કરી રહેલા સ્વાસ્થ્ય કાર્યકરો, પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને પણ આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વડોદરા: લોકડાઉન દરમિયાન ગ્રાહકોને સહાયરૂપ થવા એચડીએફસી બેંકએ શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીએમસી)ના સહયોગમાં શહેરમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીનની સેવા શરૂ કરી છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય, વડોદરાના જોઇન્ટ કમિશનર કેસરીસિંહ ભાટી, આઇપીએસ તથા વડોદરા શહેરના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. પટેલએ એચડીએફસી બેંકના ક્લસ્ટર હેડ કુણાલ કાક, જયરામ ભટ અને નૃપેન્દ્રસિંહ સાથે ભેગા મળીને આ મોબાઇલ એટીએમને રવાના કરાવ્યાં હતાં.
આ મોબાઇલ એટીએમની સેવાને પગલે લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર નીકળવાની જરૂર નહીં રહે. વડોદરા શહેર પહેલાં બેંક આ પ્રકારની મોબાઇલ એટીએમની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, ઇંદોર અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી ચૂકી છે. આ મોબાઇલ એટીએમ શહેરની અંદર અને આસપાસ 100 સ્થળોને આવરી લેશે. આથી વિશેષ, ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15થી વધુ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરી શકશે.
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શહેરમાં અન્ય સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. એક નિશ્ચિત સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલન કરનારા આ મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યાની વચ્ચે 3-5 સ્ટોપને આવરી લેશે. સ્ટાફ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા એટીએમ માટે કતાર લગાવતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે અને સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર એન. બી. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ‘વીએમસીનું એચડીએફસી બેંક સાથેનું જોડાણ એ વડોદરાવાસીઓને તેમના ઘરની નજીક તમામ મહત્ત્વની અને જરૂરી સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાની દિશામાં વધુ એક ડગલું છે. આ મોબાઇલ એટીએમ પોતાની આસપડોશની સલામતીથી દૂર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવા માંગતા લોકોને ખૂબ જ સહાયરૂપ થઈ પડશે.
આ રોગચાળા સામે અથાક પરિશ્રમ કરી રહેલા સ્વાસ્થ્ય કાર્યકરો, પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને પણ આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હું એચડીએફસી બેંક દ્વારા હાથ ધરવામાં આવેલ આ પહેલને આવકારું છું, કારણ કે, તેનાથી વધુ સારા જાહેર સ્વાસ્થ્ય અને સલામતી સુનિશ્ચિત કરવાની દિશામાં વધુ અસરકારક અમલીકરણ શક્ય બનશે.’
એચડીએફસી બેંકના વડોદરાના સર્કલ હેડ જિગર એચ. શાહે જણાવ્યું હતું કે, ‘આ મુશ્કેલીના સમયમાં સૌ કોઇને #Stay Home અને #Stay Safe રહેવામાં મદદરૂપ થવા અમે અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. અમારી મોબાઇલ એટીએમ સુવિધા અમારા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે, કારણ કે, કોવિડ-19ના પ્રસારને નાથવા અમે ચટ્ટાન બનીને ઊભા છીએ.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube