ઘટી શકે છે ટેક હોમ સેલરી? મોદી સરકાર કરી રહી છે તૈયારી
આ વર્ષે બજેટમાં મોદી સરકારે પગારદારોને ખાસ રાહત નથી આપી અને હવે તેના પગારના નિયમોમાં મોટો બદલાવ કરવાની હિલચાલ ચાલી રહી છે.
નવી દિલ્હી : આ વર્ષે બજેટમાં મોદી સરકારે પગારદારોને ખાસ રાહત નથી આપી અને હવે તેના પગારના નિયમોમાં મોટો બદલાવ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ માટે લેબર લોમાં બદલાવ કરવાનો વિચાર થઈ રહ્યો છે. જો આવું થશે તો એની અસર તમારા પગાર પર જોવા મળશે.
હકીકતમાં કેન્દ્ર સરકાર એવું આયોજન કરી રહી જેથી કંપનીઓ પોતાની બેઝિક સેલરી ઓછી નહીં રાખી શકે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર પ્રમાણે સરકાર બેઝિક સેલરીને તમારા પગારનો મોટો હિસ્સો બનાવવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો વ્યક્તિની ટેક હોમ સેલરી ઓછી થઈ જશે કારણ કે બેઝિક પગાર વધવાથી વ્યક્તિનો પ્રોવિડન્ટ ફંડ, ઇન્શ્યોરન્સ તેમજ ગ્રેચ્યુટીમાં હિસ્સો વધી જશે.
મળતી માહિતી પ્રમાણે સરકારનો પ્રસ્તાવ છે કે દરેક વ્યક્તિને પગારમાં મળતી હાઉસ રેન્ટ, લીવ ટ્રાવેલ એલાઉ્ન્સ તેમજ અન્ય એલાઉન્સ બેઝિક સેલરીના 50 ટકા કરતા વધારે ન હોવા જોઈએ. સરકારના આ પ્રસ્તાવનું કેટલાક ટ્રેડ યુનિયનોએ સ્વાગત કર્યું છે. જોકે કેટલીક ઇન્ડસ્ટ્રીએ એનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તેમને ડર છે કે આનો ભાર તેમના ખિસ્સા પર પડશે.