આ બેન્કે ગ્રાહકોને આપી New Year Gift,એફડી પર વ્યાજદરમાં કર્યો વધારો, ચેક કરો નવા રેટ
પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)એ એફડી વ્યાજદરોમાં વધારો કર્યો છે. આ વધેલા વ્યાજદર 29 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ જ્યારે પણ બચતની વાત થાય છે, ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટનું નામ ચોક્કસપણે આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં તમારું રોકાણ સલામત છે, અને તમને ખાતરીપૂર્વકનું વળતર પણ મળે છે. જો તમે પણ FDમાં રોકાણ કરવા માંગો છો તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે. હકીકતમાં, દેશની સરકારી બેન્ક બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. વર્ષ 2024ની શરૂઆત પહેલા બેંકે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
બેન્ક ઓફ બરોડાએ વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. નવા દરો 29 ડિસેમ્બર, 2023થી લાગુ થઈ ગયા છે. આ પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો
બેન્ક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રૂ. 2 કરોડ સુધીની વિવિધ મુદતની FD પર વ્યાજ દર 0.01 ટકાથી વધારીને 1.25 ટકા કરવામાં આવ્યો છે." નિવેદન અનુસાર, 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ થાપણો માટે વ્યાજ દર 3 ટકાથી વધારીને 4.25 ટકા કરવામાં આવ્યો છે. આ પછી, 15-45 દિવસના સમયગાળા માટે વ્યાજ દર એક ટકા વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ IPO ના મામલામાં ચીન બાદ દુનિયામાં બીજા નંબર પર દલાલ સ્ટ્રીટ, આપ્યું શાનદાર રિટર્ન
બેન્ક ઓફ બરોડા એફડી દરો
>> બેંક ઓફ બરોડાએ 7 દિવસથી 14 દિવસના સમયગાળા માટે FD વ્યાજ દર 3 ટકાથી વધારીને 4.25 ટકા કર્યો છે.
>> બેંક ઓફ બરોડાએ 15 દિવસથી 45 દિવસની મુદત માટેના દરમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 3.50 ટકાથી 4.50 ટકા કર્યો છે.
>> બેંક ઓફ બરોડાએ 46 દિવસથી 90 દિવસના સમયગાળા માટે દર 5 ટકાથી વધારીને 5.50 ટકા કર્યો છે.
>> બેંક ઓફ બરોડાએ 91 દિવસથી 180 દિવસના સમયગાળા માટે દર 5 ટકાથી વધારીને 5.60 ટકા કર્યો છે.
>> બેંક ઓફ બરોડાએ 181 દિવસથી 210 દિવસના સમયગાળા માટે દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube