ગુજરાતની વર્લ્ડ ફેમસ કંપનીએ પોતાના 4000 કર્મચારીઓને વેક્સીન આપવાની તૈયારી બતાવી
- અજંટા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ દ્વારા ગુજરાત સરકારને પત્ર લખીને તેમના કર્મચારીઓ માટે કોવિડ -૧૯ની રસીકરણનો જે ખર્ચ થાય તે ઉઠાવવાની તૈયારી દર્શાવાઈ
હિમાંશુ ભટ્ટ/મોરબી :સરકાર કોરોના વાયરસ સામે સામૂહિક રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહી છે અને દેશના દરેક જરૂરિયાતમંદ લોકો સુધી કોવિડ વેક્સીન પહોંચી શકે તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે સરકાર અને તેની તમામ મશીનરી વાપરીને તનતોડ પ્રયાસ કરશે તો પણ છેવાડાના માનવી સુધી રસી પહોંચવામાં સમય લાગે તેવી શક્યતા છે. આવા સમયે મોરબીની ઓરેવા અજંટા કંપની (ajanta oreva) ના માલિક દ્વારા તેમના કારખાનામાં કામ કરતાં 4000 જેટલા કર્મચારીઓને રસીકરણ (vaccination) માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવવામાં આવી છે.
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, કોરોનાને કન્ટ્રોલ કરવા માટે આગામી સમયમાં સામૂહિક રસીકરણ માટેની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ રસી મૂકવાનો ખર્ચ શું હશે તે નક્કી નથી. ત્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓરેવા અજંટા કંપનીમાં ૩૦૦૦ જેટલી મહિલાઓ મળીને કુલ 4000 જેટલા કર્મચારી કામ કરી રહ્યા છે. તે તમામને સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે કોરોના માટેની રસી મૂકવા માટેનો જે પણ ખર્ચ થાય તે ચૂકવવા માટેની તૈયારી કંપની દ્વારા બતાવવામાં આવી છે. જેથી કરીને કંપનીમાં કામ કરતાં મહિલા સહિતના કર્મચારીઑને એકપણ રૂપિયાના ખર્ચ વગર રસીકરણ થઈ જશે. જોકે, કંપનીને આ માટે ઓછામાં ઓછા ૩૦ લાખથી વધુ ખર્ચ થઈ શકશે તેવો અંદાજ છે.
આ પણ વાંચો : સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે
મોરબીમાં આવેલ વિશ્વવિખ્યાત અજંટા ઓરેવા ગ્રુપમાં આજની તારીખે 4000 જેટલા કર્મચારીઓને રોજગારી મળી રહી છે. ત્યારે અજંટા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ દ્વારા ગુજરાત સરકારને પત્ર લખીને તેમના કર્મચારીઓ માટે કોવિડ -૧૯ની રસીકરણનો જે ખર્ચ થાય તે ઉઠાવવાની તૈયારી દર્શાવાઈ છે. તેમજ તમામ કર્મચારીઓને કંપનીના ખર્ચે રસી અપાવવા અજંટા ઓરેવા ગ્રુપ જવાબદાર બિઝનેસ સમૂહ તરીકે તેમની ફરજ બજાવી વિશાળ અને પડકારજનક રસીકરણની કામગીરીમાં સરકારને સહભાગી થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલેખનીય છે કે, એમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ ઘણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને સાથ સહકારની ભાવનાથી આ મહાઅભિયાનમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને આ રીતે કામ થશે તો જ રસીકરણનું મહા અભિયાન સરળ અને આર્થિક બોજરહિત બની રહેશે.
આ પણ વાંચો : સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે
મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગો આવેલા છે. ત્યારે ઓરેવા અજંટાના માલિક દ્વારા સરકાર ઉપરથી બોજો ઘટે અને સરળતાથી કોઈપણ પ્રકારના ખર્ચ વગર કંપનીના કર્મચારીઓ કોરોનાની સામે સુરક્ષિત બની જાય તેના માટેની તૈયારી બતાવવામાં આવી છે. તેવી જ રીતે મોરબી સહિત ગુજરાત અને દેશની મોટી કંપનીઓ જો રસીકરણ માટે તૈયારી બતાવશે તો સરકારનું કામ સરળ થઈ જશે.