નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર દેશના ખેડૂતોને ખુશ કરવાની કોશિશમાં છે. આ જ ક્રમમાં ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે. ખરીફ પાકોના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)નો દોઢ ગણું કરવા પર કેબિનેટની મહોર લાગી શકે છે. ત્યારબાદ ખેડૂતોને તેમના ખર્ચના 50 ટકા વધુ MSP મળશે. મળતી માહિતી મુજબ આજે થનારી કેબિનેટની બેઠકમાં MSP વધારવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. જેમાં ધાન, દાળ, સોયાબીન, મગફળી અને મકાઈ જેવા ખરીફ પાકો પર MSP નક્કી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોર્મ્યુલાથી નક્કી થશે MSP
હકીકતમાં આ વખતે સરકાર MSP અનાજના ઉત્પાદન ખર્ચથી 50 ટકા વધી કરવાનો વિચાર કરી રહી છે. તે માટે સરકાર એ2+ એફએલ ફોર્મ્યુલાને અપનાવવાનો પ્રસ્તાવ લાવી છે. એ2 + એફએલ ફોર્મ્યુલા હેઠળ પાકની વાવણી પર થનારા કુલ ખર્ચ અને પરિવારના સભ્યોની મજૂરી તેમા સામેલ હશે. હાલ બાજરા, અડદ, તુવેર જેવા કેટલાક પાક માટે આ ફોર્મ્યુલા લાગુ છે.


જમીનની કિંમત સામેલ રહેશે નહી
પાકના ઉત્પાદન ખર્ચમાં તમામ પ્રકારના ખર્ચ સામેલ કરવામાં આવશે. તેમાં બીજ, ખાતર, કીટનાશક, મજૂરી, મશીન વગેરેને સામેલ કરવામાં આવી શકે છે. તેના આધાર ઉપર એમએસપી નક્કી કરાશે. જો કે ખેડૂતોને થતા ખર્ચમાં જમીનની કિંમત સામેલ થશે નહીં. જેની ભલામણ સ્વામીનાથન આયોગે કરી હતી.


વધી શકે છે મોંઘવારી
એકબાજુ ખેડૂતોને ખુશ કરવાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં બીજી બાજુ એમએસપી વધવાથી મોંઘવારી વધવાની આશંકા છે. જાણકારોનું માનવું છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધવાથી મોટાભાગની વસ્તુઓ મોંઘી થશે. આ ઉપરાંત સરકાર પર તેનો બોજો વધી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે અનાજ અને દાળોના ભાવ વધવાથી મોંઘવારી ચોક્કસપણે વધશે. હોટલોમાં ખાવાનું પણ મોંઘુ થશે. જો કે કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ ઓછી થવાના કારણે એમએસપી વધવાથી ખેડૂતોને મોટી રાહત મળશે.


3 પ્રકારે ખર્ચા થતા હોય છે
1. કૃષિ ક્ષેત્રની ભલામણો આપવા માટે બનેલા સ્વામીનાથન કમિશને પાકના ખર્ચને 3 ભાગમાં વહેંચ્યા હતાં.
2. પહેલો એ2, બીજો એ2 +એફએલ અને ત્રીજો સી2 હેઠળ ખેડૂતોને લાગતા ખર્ચનું અનુમાન કરવામાં આવે છે.
3. પહેલા ભાગ એટલે કે એ2માં ખેડૂતોને થતા ખર્ચમાં બીજ, ખાતર, કેમિકલ, સિંચાઈ, ઈંધણ સામેલ હોય છે.
4. એ2+એફએલમાં ખેડૂતોને લાગતા ખર્ચમાં પરિવારના સભ્યોનો અંદાજે ખર્ચ પણ જોડવામાં આવે છે.
5. સી2માં ખેડૂતોના ખર્ચમાં પાકના ઉત્પાદન ઉપરાંત જમીન પર લાગનારા લીઝ રેન્ટ, અને બીજા કૃષિ ખર્ચ પર મળનારા વ્યાજને સામેલ કરવામાં આવે છે.


ખેડૂતોનું કેટલું બચશે
આંકડાની વાત કરીએ તો 2017-18માં ઘઉંની એ2+એફએલ ખર્ચ 817 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જો તેમાં 50 ટકા જોડવામાં આવે તો એમએસપી 1325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે. જ્યારે ઘઉંની સી2 ખર્ચ 1256 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બેસે છે અને તેમાં 50 ટકા ખર્ચ જોડવામાં આવે તો એમએસપી 1879 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થાય. જ્યારે કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2017માં ઘઉંનો એમએસપી 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો હતો. જો તેના ગણિતને સમજીએ તો ખેડૂતોને એમએસપી દોઢ ગણું વધવા છતાં ઘઉં ઉપર 144 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછા જ મળશે. એટલે કે બધુ મળીને તો નુકસાન જ થશે.