નવી દિલ્હી(અનુરાગ શાહ) : બાર્કલેઝ હુરુન ઈન્ડિયા દ્વારા વર્ષ 2018ના સૌથી શ્રીમંત ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત 7મા વર્ષે દેશના સૌથી શ્રીમંત ભારતીયોની યાદીમાં ટોચ પર છે. 3 લાખ 71 હજાર કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પરિવાર પ્રથમ સ્થાને છે. એસ.પી. હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ 1.59 લાખ કરોડ રૂપિયા છે અને તેઓ બીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ રૂ.1000 કરોડથી વધુની સંપત્તિની આ યાદીમાં કુલ 831 લોકોનો સમાવેશ થાય છે, જેમની પાસે દેશની કુલ જીડીપીનો 25 ટકા હિસ્સો છે. સૌથી શ્રીમંત લોકોની યાદીમાં પ્રથમ જનરેશન એન્ટપ્રેન્યોરની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, જે ટેક્નોલોજી સાથે જોડાયેલા કારોબારમાં છે. 


ભારતીય શ્રીમંતોની આ યાદી ચીનની રિસર્ચ ફર્મ બાર્કલેઝ હુરૂન ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. હુરૂન ઈન્ડિયાની યાદીમાં જણાવાયું છે કે, મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 44 ટકાનો વધારો થયો છે અને તેઓ છેલ્લા 7 વર્ષથી આ યાદીમાં ટોચ પર છે. 



યાદી અનુસાર, 2018માં 1000 કરોડથી વધુની ક્લબમાં 214 શ્રીમંતોનો ઉમેરો થયો છે. જેમાં સૌથી યુવાન શ્રીમંતમાં 24 વર્ષના ઓયોના રિતેશ અગ્રવાલ છે, તૌ સૌથી વયોવૃદ્ધ શ્રીમંતમાં એમડીએચના ધર્મપાલ ગુલાટી છે. 


હુરુન ઈન્ડિયા યાદી અનુસાર, 1.59 લાખ કરોડની સંપત્તિ સાથે હિન્દુજા ગ્રુપના એસ.પી. હિન્દુજા બીજા સ્થાને, આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી નિવાસ મિત્તલ 1.14 લાખ કરોડની સંપત્તી સાથે ત્રીજા સ્થાને છે. વિપ્રોના અઝીમ પ્રેમજી 93,000 કરોડની સંપત્તી સાથે ચોથા અને રૂ.89,700 કરોડની સંપત્તિ સાથે સન ફાર્માના દિલીપ સંઘવી પાંચમા સ્થાને છે. 



શ્રીમંત મહિલાઓની વાત કરીએ તો બાયોકોનનાં પ્રમુખ કિરણ મજુમદાર શો મહિલાઓની યાદીમાં સૌથી ઉપર છે. તેમની સંપત્તિ 22,700 કરોડ આંકવામાં આવી છે. એરિસ્ટા નેટવર્ક્સની જયશ્રી ઉલાલ 9,500 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. ત્યાર બાદ શ્રદ્ધા અગ્રવાલ, વેમ્બૂ રાધા અને નીરજા સેઠ ક્રમશ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.