નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એક ખુશખબર આવ્યાં છે. પહેલી મેથી અંત્યોદય એક્સપ્રેસ પાટા પર દોડવાની છે. જો કે તેની શરૂઆત છત્તીસગઢના રાયપુરથી થશે. અંત્યોદય એક્સપ્રેસમાં મુસાફરોને વગર રિઝર્વેશને મુસાફરી કરવાની તક મળશે. તેનો અર્થ એ કે મુસાફરો સીધી જનરલ ટિકિટ લઈને મુસાફરી કરી શકે છે. દર રવિવારે ટ્રેન દુર્ગથી રવાના થશે. આ ટ્રેનની ખાસિયત એ છે કે તેમાં મુસાફરી કરનાર દરેક વર્ગને સમાન સુવિધાઓ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ ટિકિટથી કરાશે મુસાફરી
અંત્યોદય એક્સપ્રેસમાં મુસાફરી માટે કોઈ પ્રકારના રિઝર્વેશનની જરૂર પડશે નહીં. સામાન્ય કોચની જેમ તેની એક જ ટિકિટ હશે. મુસાફરોએ ટિકિટ બારી પરથી જનરલ ટિકિટ લેવી પડશે. ત્યારબાદ તેઓ કોઈ પણ કોચમાં મુસાફરી કરી શકશે.


શ્રમ દિવસથી થશે શરૂઆત
ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સુવિધા આપવા માટે દોડનારી આ ટ્રેનને શ્રમ દિવસથી શરૂ કરવામાં આવનાર છે. વર્ષ 2016ના બજેટમાં અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બે વર્ષ બાદ તેનું સંચાલન શરૂ થશે. રેલવે અધિકારીઓના જણાવ્યાં મુજબ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ તેની શરૂઆત કરશે.


બિલાસપુરમાં છે ટ્રેન
રેલવે અધિકારીઓના જણાવ્યાં મુજબ અંત્યોદય એક્સપ્રેસના કોચ મહિના પહેલા જ છત્તીસગક્ષના બિલાસપુરમાં આવી ગયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ઝોન મુખ્યાલયમાં રાખવામાં આવ્યાં છે. ઉદ્ધાટનના એક દિવસ પહેલા એટલે કે 30 એપ્રિલના રોજ નવી ટ્રેન રાયપુર લાવવામાં આવશે. અહીંથી ટ્રેન ફિરોઝાબાદ રવાના થશે. ટ્રેનમાં કુલ 18 કોચ હશે. ટ્રેન દુર્ગથી ફિરોઝાબાદ વચ્ચે દોડાવવામાં આવશે.


2017માં દોડી હતી પહેલી અંત્યોદય
વર્ષ 2016માં તત્કાલીન રેલમંત્રી સુરેશ પ્રભુએ અંત્યોદય એક્સપ્રેસ ચલાવવાની જાહેરાત કરી હતી. બરાબર એક વર્ષ બાદ 4 માર્ચ 2017ના રોજ પહેલી અંત્યોદય એક્સપ્રેસ દોડાવાઈ હતી. રેલમંત્રીએ એર્નાકુલમ જંકશન પર લીલી ઝંડી દેખાડીને હાવડા માટે રવાના કરી હતી. હાલના સમયમાં દેશમાં 5 અંત્યોદય એક્સપ્રેસ દોડી રહી છે.


શું છે આ ટ્રેનની ખાસિયતો?


  • પીવાના પાણી માટે ફિલ્ટર મશીન

  • ચા, કોફી અને દૂધ માટે વેન્ડિંગ મશીન

  • દરેક કોચમાં સીસીટીવી કેમેરા

  • દરેક કોચમાં બાયો ટોયલેટની સુવિધા