ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર, ટેક્સ ભરતા હો તો જરૂર જાણો
આ ફેરફારની સૌથી મોટી અસર કરદાતા પર પડશે
નવી દિલ્હી : નોકરિયાત હંમેશા ટેક્સ બચાવવાના પ્રયાસ કરતો નજરે ચડે છે. જોકે ટેક્સના સતત બદલાતા નિયમોની તેને જાણકારી ન હોવાના કારણે ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. બજેટ 2018-19માં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો પણ એવા કેટલાક પ્રસ્તાવ છે જે 1 એપ્રિલ, 2018થી અમલમાં આવી જશે. આ ફેરફારની સૌથી મોટી અસર કરદાતાઓ પર પડશે. જો આ વાતની જાણકારી ન હોય તો ટેક્સને બચાવવા માટે આ નિયમ જાણવા જરૂરી છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન
બજેટમાં નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનને પાછો અમલમાં લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લાગુ થશે તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (19200 રૂ.) અને મેડિકલ રિ-એમ્બર્સમેન્ટ (15000 રૂ.) હટી જશે. સરળ ભાષામાં સમજીએ તો સેલરી ક્લાસ લોકોની આવકમાંથી ઇન્કમટેક્સની છૂટના નામે સીધા 40000 રૂ.નું સ્ટાન્ડર્ડ ડિડક્શન થશે જેનો સીધો લાભ 2.5 કરોડ સેલરી ક્લાસ લોકોને થશે. ખાસ વાત તો એ છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ વરિષ્ઠ નાગરિકોને પણ મધશે.
વધશે ઇન્કમ ટેક્સ સેસ
ઇન્કમ ટેક્સ પર લાગનારા સેસમાં પણ વધારો કરવાનો પ્રસ્તાવ છે. બજેટમાં નાણામંત્રીએ ઇન્કમ ટેક્સ પર લાગનારા એજ્યુકેશન સેસને વધારીને 4 ટકા કરી દીધો છે જે પ્રવર્તમાન વ્યવસ્થામાં 3 ટકા છે. આ સેસ ટેક્સપેયર્સના ટેક્સ પર લગાવવામાં આવે છે.
લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ
શેરબજારમાં શેર વેચવાથી લાગતા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ સાથે હવે એક વર્ષ પછી આ શેર્સને વેચવા બદલ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. જોકે આ આ ટેક્સ એના પર લાગશે જેની શેરના વેચાણની આવક 1 લાખ રૂ. કરતા વધારે છે. આ સિવાય શેરબજાર સાથે જોડાયેલ ઇક્વિટી મ્યુચલ ફંડ્સના ડિવીડન્ટ પર 10 ટકાના દરે ટેક્સ લાગશે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી પર ટેક્સની છૂટ
બજેટમાં આપવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે હવે એક વર્ષથી વધારાની હેલ્થ પોલીસીના પ્રીમિયમ પર હવે એટલા જ વર્ષની છૂટ મળશે જેટલા વર્ષ માટે પોલીસી લેવામાં આવી છે. આ સિવાય હવે નોકરી છૂટવાની સ્થિતિમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં ટેક્સમાં છૂટ મળી શકશે. જે લોકો નોકરી નથી કરતા અને તેમને પણ એનપીએસમાંથી પૈસા ઉપાડવા બદલ ટેક્સ છૂટનો ફાયદો મળશે.