છે તમારો મેડિકલ ઇન્શ્યોરન્સ ? તો જાણી લો આ મોટા સમાચાર
હવે મેડિક્લેમના નિયમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જેનો ફાયદો વીમાધારકને મળશે
હૈદરાબાદ : વીમા કંપનીઓ હવે માનસિક રોગીઓને સારવાર ખર્ચ આપવાની ના નહીં પાડી શકે. હવે તેમણે વીમાક્લેમમાં માનસિક રોગોનો પણ સમાવેશ કરવો પડશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા) તમામ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે વીમા કંપનીઓએ માનસિક રોગોનો પણ એની પોલિસીમાં સમાવેશ કરવો પડશે. હાલમાં વીમા કંપનીઓ તમામ હેલ્થ ઇન્શ્યોરન્સમાં માનસિક બીમારીઓને સમાવેશ નથી કરતી.
ઇરડા તરફથી 16 ઓગસ્ટે જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય સુરક્ષા કાનૂન, 2017 એ 29 મે, 2018થી અમલમાં આવી ગયો છે. કાયદાની કલમ 21(4)માં કહેવામાં આવ્યું છે કે તમામ વીમા કંપનીઓએ મેડિકલ વીમામાં માનસિક રોગોની સારવારનો વિકલ્પ પણ આપવો પડશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ વીમા કંપનીઓએ આનું પાલન તાત્કાલિક પ્રભાવથી કરવું પડશે.
આ પહેલાં ઇરડાએ કહ્યું હતું કે સ્વાસ્થ્ય વીમા પોલીસની હદની બહારની બીમારીઓની સંખ્યા ઓછી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવું થશે તો હેલ્થ ઇન્શ્યોરન્સમાં એવી ગંભીર બીમારી પણ શામેલ થઈ જશે જે કવર નહોતી થતી. કેટલીક કંપની કેન્સર જેવી બીમારીઓમાં કવર આપે છે પણ એનું પ્રીમિયમ એટલું વધારે હોય છે કે સામાન્ય વ્યક્તિ એ લઈ નથી શકતી. ઇરડાની નવી વ્યવસ્થા પ્રમાણે સામાન્ય પ્રીમિયમમાં જ કેન્સર જેવી તમામ ગંભીર બીમારી કવર કરી શકાશે.