ટ્રેનમાં પ્રવાસ કરનારાઓને નહીં ગમે Railwayનો આ નિર્ણય
સંસદીય સમિતિમાં પ્રીમિયમ ટ્રેનોમાં હવાઇ પ્રવાસથી પણ વધારે ભાડું વસુલવા માટે ઇન્ડિયન રેલવેની ટીકા કરવામાં આવી છે
નવી દિલ્હી : જો તમે ભારતીય રેલવેની ફ્લેક્સી ફેર સિસ્ટમથી અપસેટ હો તો તમને રાહત આપે એવા સમાચાર આવ્યા છે. હકીકતમાં સંસદીય સમિતિમાં પ્રીમિયમ ટ્રેનોમાં હવાઇ પ્રવાસથી પણ વધારે ભાડું વસુલવા માટે ઇન્ડિયન રેલવેની ટીકા કરવામાં આવી છે. આ વધારાનું ભાડું રેલવે તરફથી શરૂ કરવામાં આવેલી ફ્લેક્સી ફેર સિસ્ટમ અંતર્ગત લેવામાં આવે છે. હવે સંસદીય સમિતિ તરફથી કરાયેલી ટીકા પછી એવી આશા છે કે બહુ જલ્દી ફ્લેક્સી ફેર સિસ્ટમ પરત ખેંચી લેવાશે.
જોકે રેલવે ફ્લેક્સી ફેર સિસ્ટમને ખતમ કરવાના મૂડમાં નથી. રેલવે તરફથી મંગળવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ફ્લેક્સી ફેર સિસ્ટમ પરત લેવાનો કોઈ ઇરાદો નથી પણ એમાં ચોક્કસ બદલાવ કરી શકાશે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ફ્લેક્સી ફેર સિસ્ટમને 168 પ્રીમિયમ ટ્રેનોમાં શરૂ કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બર, 2016ના દિવસે આ સ્કીમને રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં શરૂ કરવામાં આવી હતી.
આ સિસ્ટમને કારણે નાણાંકીય વર્ષ 2016-17 (સપ્ટેમ્બરથી માર્ચ), 2017-18 અને 2018-19માં એપ્રિલથી જૂન સુધી રેલવેએ ક્રમશ: 371, 860 અને 262 કરોડ રૂ.ની વધારાની કમાણી કરી હતી. રેલવે બોર્ડ દ્વારા 2017માં ફ્લેક્સી ફેર સિસ્ટમને રિવ્યુ કરનાર કમિટિનું ગઠન પણ કર્યું હતું. જોકે રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ રિપોર્ટ પણ નિર્ણય લેવાનો બાકી છે.