આ મહિને લોન્ચ થશે Marutiની સૌથી સસ્તી SUV, આ હશે ફિચર્સ
દેશના ઓટો માર્કેટમાં વેચાણમાં ઘટાડો થવાને કારણે વાહન નિર્માતા કંપનીઓ સસ્તી કારના લોન્ચિંગ પર કામ કરી રહી છે
નવી દિલ્હી : દેશના ઓટો માર્કેટમાં વેચાણમાં ઘટાડો થવાને કારણે વાહન નિર્માતા કંપનીઓ સસ્તી કારના લોન્ચિંગ પર કામ કરી રહી છે. હાલમાં રેનોલ્ટ દ્વારા સસ્તી 7 સીટર એમપીવી લોન્ચ કરવામાં આવી છે. આ કારને લોકોએ બહુ પસંદ કરી છે. હવે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) સૌથી નાની અને સસ્તી એસયુવી S-Presso (Maruti Suzuki S-Presso)ને લોન્ચ કરવાની તૈયારીમાં છે.
Marutiની નવી એસયુવીનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. માનવામાં આવે છે કે મારુતિની આ કાર રેનોલ્ટ ક્વિડ (Renault Kwid)ને ટક્કર આપશે. મારુતિની S-Presso SUV કંપનીની એન્ટ્રી લેવલની કાર હશે. આ કારનું લોન્ચિંગ 30 સપ્ટેમબરે થશે એવી ધારણા છે. કારના લોન્ચિંગ પહેલાં જ Maruti S-Pressoના અનેક ફિચર્સ મીડિયામાં લિક થઈ ગયા છે. મારુતિની આ નાનકડી એસયુવીમાં BS6 એન્જિન હશે. કંપની એેને ચાર વેરિઅન્ટમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે. મારુતિ તરફથી કારમાં પેટ્રોલ અને સીએનજી એન્જિન આપવામાં આવશે.
SUV S-Pressoમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન હશે. આ એન્જિનનું પાવર 68 hp હશે અને એ 90 Nmનો ટોર્ક જનરેટ કરશે. કારને કંપની તરફથી મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવશે. મળતા સમાચાર પ્રમાણે કંપની ઓટોમેટિક વેરિઅન્ટને થોડા દિવસ પછી લોન્ચ કરશે. ટેસ્ટિંગ દરમિયાન S-Pressoનો લુક સ્પોર્ટી દેખાય છે. આની શરૂઆતની કિંમત 4 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપની એનું વેચાણ અરીના ડિલરશીપ મારફતે કરશે. મારુતિએ S-Pressoના કોન્સેપ્ટને ઓટો એક્સપો-2018માં લોન્ચ કર્યો હતો.