આ મશીનથી એક મિનિટમાં ચાર્જ થશે કારની બેટરી, ચાલશે 100 KM
ઉત્તરાખંડ અલ્મોડાના કાફલીખાન વિસ્તારમાં રહેનારા રવિ ટમ્ટાએ જબરદસ્ત શોધ કરી છે
નવી દિલ્હી : ઉત્તરાખંડ અલ્મોડાના કાફલીખાન વિસ્તારમાં રહેનારા રવિ ટમ્ટાએ જબરદસ્ત શોધ કરી છે. તેણે પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનોખું યંત્ર તૈયાર કર્યું છે જેનાથી ગણતરીની મિનિટોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકાય છે અને ખર્ચ પણ બહુ ઓછો થાય છે. રવિ ટમ્ટાએ દોઢ વર્ષની મહેનત પછી એવા ઇલેક્ટ્રોલાઇટ પંપ મશીનની શોધ કરી છે જે બહુ ઓછા સમયમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકે છે.
રવિએ દાવો કર્યો છે કે આ મશીનથી જો કોઈ વાહનને એક મિનિટ સુધી ચાર્જ કરવામાં આવે તો લગભગ 100 કિલોમીટર સુધીનું અંતર કાપી શકાય છે. આ મશીનથી એક મિનિટ ચાર્જ કરવાનો ખર્ચ 40થી 50 રૂપિયાની આસપાસ આવે છે. તેણે માહિતી આપી છે કે જેમ એક મિનિટમાં પેટ્રોલ અને ડીઝલ ભરવામાં આવે છે એવી જ રીતે એક મિનિટમાં ઇલેક્ટ્રોલાઇટ ભરી શકાય છે. આનાથી વાહન ફુલ ચાર્જ થઈ જાય છે. રવિએ દાવો કર્યો છે કે થોડા સમયમાં આખા યંત્રની બનાવટ જાહેર કરી દેવામાં આવશે.
રવિએ હવે ઇલેક્ટ્રોલાઇટ પંપ મશીનના નિર્માણ અને ટ્રાયલ પછી દેશના સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને લેટલ લખીને આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સહયોગ આપવાની માગણી કરી છે. આ સિવાય તેણે ઇલેક્ટ્રિક ગાડી બનાવનારી કંપની ટેસ્લાને પણ મેઇલ કરીને આ ટેકનોલોજીની જાણકારી આપી છે.