નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુરક્ષિત અને સસ્તા પરિવહનને ધ્યાનમાં રાખીને બિન-પરિવહન કાર્યો માટે ક્વાડ્રિસાઈકલ (Bajaj Quadricycle)ના ઉપયોગને મંજુરી આપી છે. ક્વાડ્રિસાઈકલનો આકાર થ્રી વ્હીલર જેવો હોય છે, પરંતુ તેમાં ત્રણને બદલે ચાર ટાયર હોય છે. આ વ્હિકલ કારની જેમ સંપૂર્ણપણે ઢંકાયેલું હોય છે, પરંતુ તેની સ્પીડ અને એન્જિન પાવર નાની કાર કરતાં ઓછો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, "સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ-1988માં બિન-પરિવહનના વર્ગમાં ક્વાડ્રિસાઈકલને સામેલ કરવા અંગેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે."


આપને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી પરિવહન કાર્યોમાં જ ક્વાડ્રિસાઈકલ 'ક્યુટ' (Qute)ના ઉપયોગને મંજુરી આપવામાં આવી હતી. આ બજાજ ઓટોની પ્રોડક્ટ છે, જે વિદેશોમાં અત્યંત લોકપ્રિય છે. તેમાં બેસીને તમે સમગ્ર દેશમાં પરિવાર સાથે યાત્રા કરી શકો છો. કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગયા બાદ હવે તે ટાટા નેનો કરતાં પણ નાની ફેમિલી કાર બની ગઈ છે. અત્યાર સુધી દેશમાં નેનો સૌથી નાની ફેમિલી કાર હતી. 



બજાજે ક્વાડ્રીસાઈકલ ક્યુટને 2012માં લોન્ચ કરી હતી, પરંતુ નિયામક અને સુરક્ષાના માપદંડોને કારણે તેને ભારતમાં સડકો પર ચલાવાની મંજુરી અપાઈ ન હતી. હવે, કેન્દ્ર સરકાર દ્વારા મોટરવાહન અધિનિયમમાં ફેરફાર કરીને તેને મંજુરી આપી દેવાઈ હોવાથી ભારતમાં તેનો ખાનગી ધોરણે ઉપયોગ કરી શકાશે. 


દેશની પ્રથમ ક્વાડ્રીસાઈકલ છે 'ક્યુટ'
બજાજની આ નાની કાર 'ક્યુટ' દેશમાં નિર્મિત પ્રથમ ક્વાડ્રીસાઈકલ છે. આઈસીઆરએના ઉપાધ્યક્ષ (કોર્પોરેટ સેક્ટર રેટિંગ્સ) આશીષ મોદાનીએ જણાવ્યું કે, "ક્વાડ્રીસાઈકલને 4 વ્હિલર તરીકે માનવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ મુખ્ય રીતે વાણિજ્યિક સ્વરૂપે જ કરાશે." ગ્રાન્ટ થારટ્રન ઈન્ડિયાના શ્રીધર વી. પરમારના અનુસાર, વર્તમાન પરિદૃશ્યમાં આ કાર ટૂ વ્હિલર વાહનોની સ્પર્ધામાં આવી શકે છે. ટૂ વ્હિલર ચલાવતા જે લોકો ફોર વ્હીલની સવારી કરવા ઈચ્છુક હશે તેઓ તેને ખરીદશે. 



કેવું છે 'ક્યુટ'નું એન્જિન 
બજાજ ક્યુટમાં 215ccનું પેટ્રોલ એન્જિન ફીટ કરેલું છે, જેનો 13.2PS કરતાં વધુ પાવર છે. તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 70 કિમીની છે. 5 સ્પીડ ગિયરબોક્સ ધરાવતી ક્યુટનું માર્કેટમાં CNG/LPG વર્ઝન પણ આવવાની અપેક્ષા છે. કંપનીનો દાવો છે કે આ કાર એક લીટર પેટ્રોલમાં 35 કિમીની એવરેજ આપે છે. ક્યુટની લંબાઈ 2,752mm છે, જે ટાટા નેનો કરતાં 412mm ઓછી છે. 


રીક્ષા કરતાં સારી 
જો તેની સરખામણી બજાજની 3 વ્હિલર RE ઓટો રીક્ષા સાથે કરવામાં આવે તો આ રીક્ષામાં 199ccનું પેટ્રોલ એન્જિન આવે છે. તેનો 10.3PSનો પાવર છે. તે 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. બજાજની ઓટોરીક્ષા REની લંબાઈ 2635mm છે, જે ક્યુટ કરતાં 117mm ઓછી છે. 



ભારતમાં સડક પર નહીં, અનેક દેશોમાં નિકાસ 
બજાજ ક્યુટ ભારતીય સડકો પર ભલે દોડતી જોવા ન મળતી હોય પરંતુ દુનિયાના અનેક દેશોમાં તેની નિકાસ થાય છે. અમેરિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને મેક્સિકો સહિત અનેક દેશમાં બજાજ આ કારની નિકાસ કરે છે. યુરોપિય અને અમેરિકન સડકો પર તો ક્વાડ્રીસાઈકલનું ચલણ અનેક વર્ષોથી છે. ક્વાડ્રિસાઈકલ કારનું પ્રથમ વર્ઝન 1853માં આવ્યું હતું. બજાજ ક્યુટ ક્વાડ્રિસાઈકલ કારની કિંમત રૂ.1.5 લાખથી રૂ.2 લાખની વચ્ચે રહેવાની અપેક્ષા છે.