નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કાપ મુકીને સામાન્ય નાગરિકોને રાહત આપી છે, પરંતુ હવે સૌની નજર રિઝર્વ બેન્ક પર ટકી છે, જે શુક્રવારે નાણાનીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી શકે છે, જેના કારણે લોન મોંઘી થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી નાણાનીતિ સમિતિની બેઠક અત્યારે ચાલી રહી છે અને નિષ્ણાતોનું અનુમાન છે કે રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. રેપો રેટના આધારે જ બેન્કો દ્વારા સામાન્ય લોકોને આપવામાં આવતી લોનના વ્યાજ દર નક્કી થતા હોય છે. તેના અંગે આવતીકાલે જાહેરાત થશે. 


કપરો નિર્ણય
રિઝર્વ બેન્ક માટે આ અત્યંત કપરો નિર્ણય હશે. કેમ કે એક બાજુ  ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને સામે પક્ષે રૂપિયો દરરોજ નબળો પડી રહ્યો છે. જેના કારણે મોંઘવારીમાં વધારો થવાનું દબાણ ઊભું થયું છે. બીજી તરફ બેન્કિંગ સંકટને કારણે નાણા બજારમાં તરલતાનું સંકટ છે. એટલે કે લોકોને સરળ શરતો પર ઉધારમાં માલ મળતો નથી. આવી સ્થિતિમાં વ્યાજ દરમાં વધારો થવાથી નાણા બજારની સ્થિરતા અંગે ચિંતા વધી જશે. 


નાણાનીતિમાં સૌથી વધુ ભાર મોંઘવારીને કાબુમાં રાખવા પર આપવામાં આવે છે, આથી સંભાવના છે કે રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો રિઝર્વ બેન્ક દ્વારા આ સતત ત્રીજી વખત વધારો થશે. અત્યારે રેપો રેટ 6.50 ટકા છે. રિઝર્વ બેન્કે લગભગ સાડા ચાર વર્ષ બાદ ચાલુ વર્ષે જુન અને ઓગસ્ટ મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો. 


આ અગાઉ સરકાર નાની બચત યોજનાઓનાં વ્યાજ દરમાં 1 ઓક્ટોબરતી વધારો કરીને સંકેત આપી ચુકી છે કે હવે ઓછા વ્યાજ દરના દિવસો સમાપ્ત થવાના છે અને આગામી દિવસોમાં ધિરાણ મોંઘું થઈ જશે. 


જો આમ થશે તો અર્થતંત્રમાં રોકાણની અસર પડશે અને તેની સીધી અસર રોજગારની તકો પર પડશે, જેમાં અપેક્ષા પ્રમાણે વધારો થશે નહીં. તેની સાથ જ હોમ લોન, પર્સનલ લોન કે કાર લોન લેનારા લોકોના માથે પણ ધિરાણનો બોજો વધશે.