પેટ્રોલ ડીઝલ હજુ સસ્તું થશે, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું મોટું કારણ...
પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થતાં માર સહન કરી રહેલા દેશવાસીઓને કેટલીક રાહત મળી શકે એવા ગૂડ ન્યૂઝ છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ ભાવમાં રાહત આપતું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થતાં દેશની જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ સંજોગોમાં પેટ્રોલિયમ મંત્રીએ આપેલું નિવેદન રાહત આપનારૂ છે. મંગળવારે પટનામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી પ્રધાને પત્રકારો સાથે વાત કરતાં આવનારા સમયમાં પેટ્રોલના ભાવ હજુ નીચે આવવાના સંકેત આપ્યા છે. ક્રુડ ઓઇલની કિંમત અંગે એમણે કહ્યું કે, હવે ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઇ છે.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ઓપેક દેશો સામે પોતાની વાત મુકતાં કહ્યું કે, ભારત આવનારા 20-25 વર્ષ સુધી ઉર્જાનું મોટું બજાર છે. એવામાં તમારે ભારતના ગ્રાહકોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે કહ્યું કે, દોઢ વર્ષ બાદ આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો. જેમાં એક મિલિયન બેરલ પ્રતિ દિન તેલ ઉત્પાદન વધારવા અંગે વિચાર કરાયો છે.
આગામી 1લી જુલાઇથી આ તેલ બજારમાં આવવું શરૂ થઇ જશે. જેનાથી ભાવમાં ઘટાડો આવવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે, પેટ્રોલની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે અઢી રૂપિયા સુધી જ્યારે ડીઝલમાં બે રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
કટોકટી અંગે તેમણે કહ્યું કે, દેશભરમાં આજે કાળો દિવસ મનાવાઇ રહ્યો છે. કટોકટી એક તાનાશાહી માનસિકતા છે. આજે પણ આપણા સમાજમાં તાનાશાહી માનસિકતાથી પીડિત લોકો છે. એવામાં આપણે નવી પેઢીને આ બાબતોથી જાગૃત કરવી પડશે. જનજાગૃતિ કરીને આપણે નવી પેઢીને આ અંગે જાણકારી આપવી આપણી જવાબદારી છે. ભાજપ અને જેડીયૂ ગઠબંધન અંગે પુછાયેલા સવાલ અંગે મંત્રીએ કહ્યું કે, ગઠબંધન મજબૂત છે.
તમને જણાવીએ કે, 29 મે બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાયો છે. મંગળવારે પેટ્રોલ 14થી 18 પૈસા સુધી સસ્તુ થયું છે જો ડીઝલ 10થી12 પૈસા સસ્તું થયું છે.