નોકરી કરનારા 6 કરોડ લોકો માટે ખુશખબરી, PF પર મળશે વધુ વ્યાજ
શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે મંગળવારે કહ્યું કે 6 કરોડ EPFO સભ્યોને નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકા જ વ્યાજ મળશે. સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 8.65 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: કરોડો નોકરીયાત લોકો માટે ખુશખબરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર વ્યાજ દર 8.65 ટકા (EPFO Interest Rate) નક્કી કરી દીધું છે. નાણા મંત્રાલય દ્વારા 8.65 તકા વ્યાજ આપવાની મંજૂરી આપી દીધી છે. લાંબી ખેંચતાણ બાદ હવે નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડેન્ટ ફંડ પર 8.65 ટકા વ્યાજ જ મળશે. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે આ વાતની પુષ્ટિ કરી છે.
ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજને આપી હતી મંજૂરી
શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે મંગળવારે કહ્યું કે 6 કરોડ EPFO સભ્યોને નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકા જ વ્યાજ મળશે. સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 8.65 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કારણોના લીધે નાણા મંત્રાલ્યે તેનો રિવ્યૂ કરવા માટે કહ્યું હતું. હવે નાણા મંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે.
બંને મંત્રાલયો વચ્ચે બની હતી સહમતિ
હવે EPFO તમારા પીએફ ખાતા પર 8.55 ટકા વ્યાજ આપે છે. તેને વધારીને 8.65 ટકા કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ગત મહિને શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વ્યાજને લઇને સહમતિ બની હતી. તેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધારકોને મળશે.
ટૂંક સમયમાં ક્રેડિટ થશે વ્યાજ
પીએફના વ્યાજ પર લાંબા સમયથી નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલય વચ્ચે સહમતિ બની ન હતી. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવાર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત મહિને આ મુદ્દે બેઠક કરી હતી. આ બેઠકમાં શ્રમ અને નાણા મંત્રાલય વચ્ચે સહમતિ બની હતી. હવે સંતોષ કુમાર ગંગવારનું કહેવું છે કે તહેવારની સિઝન પહેલાં જ બધા ખાતાધારકોને ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ કરી દેવામાં આવશે.