પાકિસ્તાને ભારત સાથે મિત્રતા માટે લંબાવ્યો હાથ, અપનાવ્યો `આ` રસ્તો
પાકિસ્તાને એવો પ્રસ્તાવ આપ્યો છે જેના કારણે બંને દેશને ફાયદો થઈ શકે છે
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોની અસર બિઝનેસ પર પડે છે. જોકે પાકિસ્તાને એક એવો પ્રસ્તાવ આપ્યો છે જેનાથી બંને દેશોના સંબંધમાં સુધારો થશે અને સંબંધો વધારે ઉષ્માળુ બનશે. હકીકતમાં પાકિસ્તાને થોડા દિવસ પહેલાં અફગાનિસ્તાનને પ્રસ્તાવ આપ્યો હતો કે જો અફઘાનિસ્તાન અને ભારત ભવિષ્યમાં પાકિસ્તાનના રસ્તે બિઝનેસ કરવા ઇચ્છે તો પાકિસ્તાન પોતાના રસ્તાઓના વપરાશની પરવાનગી આપવા તૈયાર છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જોન બાસે આ વાતની જાણકારી આપી છે.
આ વાત મહત્વની છે કારણ કે વર્ષો સુધી પાકિસ્તાને ભારત-અફઘાનિસ્તાનના વેપાર માટે પોતાના રસ્તાનો ઉપયોગ કરવા માટે પરવાનગી નથી આપી. જોન બાસે સમાચાર પત્ર ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું છે કે પાકિસ્તાન સરકારે આ માટે અફઘાનિસ્તાન સરકારનો સંપર્ક કર્યો છે.
માનવામાં આવે છે કે ગયા અઠવાડિયે જ્યારે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને અમેરિકન રક્ષા મંત્રી જિમ મૈટિસ ભારત આવ્યા હતા ત્યારે ભારત સરકારે ઇરાન પર અમેરિકન પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે આના કારણે ચાબહાર પોર્ટથી થતા વેપાર પર ભારે અસર પહોંચશે.