પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત, જાણો આજની કિંમત
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. તેનાથી પેટ્રોલના ભાવ 70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. તો ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થતા શુક્રવારે 64.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
તો આર્થિક રાજધાની મુંબઈમાં પણ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. અહીં પેટ્રોલના ભાવ 7 પૈસા વધીને 76.18 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. તો ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો થતા 68.02 રૂપિયા પ્રતિ લીટર પર ભાવ પહોંચી ગયો છે.
મહત્વનું છે કે, ગુરૂવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. જેથી પેટ્રોલના ભાવ 70.47 રૂપિયા પહોંચી ગયા હતા. તો રાજધાનીમાં ડીઝલના ભાવમાં ગુરૂવારે 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.
જાણકારોને આશા છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં હજુ તેજી રહેશે. આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મોંઘવારી વધી શકે છે. 27 ડિસેમ્બરથી સતત કાચા તેલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલનું સ્તર વધુ ઉપર જશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધી શકે છે.