સતત ત્રીજા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, આજની કિંમત છે...
પેટ્રોલની કિંમતમાં 11 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસોમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 25 પૈસાનો અને ડીઝલમાં 33 પૈસાનો ઘટાડો થયો છે
નવી દિલ્હી : છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રવર્તી રહેલી તેજી પર હવે લગામ લાગી ગઈ હોય એમ લાગે છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલની કિંમતમાં 11 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. લોકસભામાં ચૂંટણીનું વોટિંગ થઈ ગયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 અને 29 મેના દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રહી ગયા પછી 30 મેના દિવસથી એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 25 પૈસાનો અને ડીઝલમાં 33 પૈસાનો ઘટાડો થયો છે.
શનિવારે સવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ક્રમશ: 71.62 રૂપિયા અને ડીઝલની કિંમત 66.36 રૂપિયા નોંધાઈ છે. સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.
શહેર પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી ₹71.62 ₹66.36
મુંબઈ ₹77.28 ₹69.58
કોલકાતા ₹73.74 ₹68.21
ચેન્નાઇ ₹74.39 ₹70.19
નોઇડા ₹71.24 ₹65.46
ગુરુગ્રામ ₹71.77 ₹65.55
ત્રણ મહિના સુધી કાચા તેલની કિંમત સતત નીચલા સ્તરે રહી છે. હવે એમાં સુધારો જોવામાં આવી રહ્યો છે. કાચા તેલની કિંમતમાં ગુરુવારે વધારો નોંધાયો છે. હકીકતમાં અમેરિકામાં કાચા તેલના ભંડારમાં ઘટાડો થયો હોવાના સમાચાર આવ્યા પછી એની કિંમતમાં વધારો થવાની શરૂઆત થઈ છે.