ઓઇલ ઉત્પાદન ઘટવાથી પેટ્રોલ-ડીઝલમાં જોરદાર ઉછાળો, જાણો આજનો ભાવ
જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડની કિંમતમાં તેજી આવી શકે છે, તેની સીધી અસર ધીરે-ધીરે બજારમાં પણ જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સને આગામી થોડા દિવસોમાં ક્રૂડના ભાવમાં $10 ના ઉછાળાની આશંકા છે.
નવી દિલ્હી: ઓઇલ ઉત્પાદક કંપની સાઉદી અરામકો પર હુમલા બાદ ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવ સતત વધી રહ્યા છે. ઇન્ટરનેશનલ લેવલ પર ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી ચાલી રહી છે. બુધવારે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઇને 72.42 રૂપિયા અને ડીઝલ 24 પૈસાની તેજી સાથે 65.82 રૂપિયાના લેવલ પર પહોંચી ગયું. આ પહેલાં મંગળવારે પણ પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું હતું.
ડ્રોન હુમલા બાદ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો
બુધવારે સવારે પેટ્રોલના ભાવ 24 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં રેટ ક્રમશ: 75.14 રૂપિયા, 78.10 રૂપિયા અને 75.27 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલ 25 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 68.23 રૂપિયા, 69.04 રૂપિયા અને 69.58 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે, જેની અસર એશિયાઇ દેશોમાં ઓઇલ આપૂર્તિ પર પડી રહી છે. બુધવારે આવેલી તેજી પાછળ લગભગ છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘરેલૂ બજારમાં આવેલી સૌથી મોટી તેજી છે.
10 ડોલર સુધી વધી શકે છે ક્રૂડ
જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડની કિંમતમાં તેજી આવી શકે છે, તેની સીધી અસર ધીરે-ધીરે બજારમાં પણ જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સને આગામી થોડા દિવસોમાં ક્રૂડના ભાવમાં $10 ના ઉછાળાની આશંકા છે. બુધવારે સવારે બ્રેન્ટ સામાન્ય નરમાઇ સાથે 63.40 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 58.96 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો.