નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આવી રહેલા ઘટાડાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત યથાવત છે. સોમવારે કાચા તેલની કિંમતમાં 3.33 ડોલર પ્રતિ બેરલના ઘટાડા બાદ મંગળવારે પણ તેમાં સામાન્ય ઘટાડો થયો હતો. મંગળવારે કાચા તેલની કિંમતમાં 0.21 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો અને આ 50.56 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. બીજતરફ બુધવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જૂના સ્તર પર યથાવત રહ્યાં હતા. દિલ્હીમાં પેટ્રોલ સતત બીજા દિવસે 69.79 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ સતત ત્રીજા દિવસે 63.83 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. આ પહેલા પેટ્રોલમાં મંગળવારે સાત પૈસાનો ઘટાડો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
બુધવારે કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશઃ 71.89 રૂપિયા, 75.41 રૂપિયા અને 72.41 રૂપિયા રહ્યો છે. તો ડીઝલનો ભાવ કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશઃ 65.59 રૂપિયા, 66.79 રૂપિયા અને 67.38 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે. ચારેય શહેરોમાં ડીઝલનો ભાવ સતત ત્રીજા દિવસે લેવલ પર ચાલી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે સામાન્ય માણસને રાહત મળી છે. તેનાથી મોંઘવારી પણ ઓછી થવાની સંભાવના છે. 


1 જાન્યુઆરી 2018 હતો આ ભાવ
પેટ્રોલની પ્રતિ લીટર આ કિંમત ગત 1 વર્ષમાં સૌથી ઓછી છે. આ પહેલા 1 જાન્યુઆરી 2018ના રોજ પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 69.97 રૂપિયા હતી. તો 1 જાન્યુઆરી 2018ના કોલકત્તામાં પેટ્રોલ 72.72 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 72.53 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું હતું. આ સિવાય ડીઝલના ભાવ 9 મહિના બાદ આ સ્તર પર પહોંચ્યા છે.