સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, જાણો આજનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો થતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે (શનિવાર) ફરી એકવાર સતત ત્રીજા દિવસે વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ શનિવારે 19 પૈસા પ્રતિ લીટરથી વધીને 69.26 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. તો રાજધાનીમાં ડીઝલનો ભાવ 29 પૈસાથી વધુને 63.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જાણકારો પ્રમાણે દિલ્હીમાં આગામી દિવસોમાં પેટ્રોલનો ભાવ ફરી 70 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.
આ સિવાય મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તેથી શનિવારે આર્થિક રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 74.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તો ડીઝલના ભાવમાં પણ 31 પૈસાનો વધારો થતા તેનો ભાવ 66.04 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.
મહત્વનું છે કે, શુક્રવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત બીજા દિવસે વધારો થયો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 19 પૈસા વધીને 69 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ હતી અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો હતો. આમ સતત પેટ્રોલ-ડીઝલની કિંમત વધી રહી છે.
આ છે ભાવ વધવાનું કારણ
કાચા તેલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 61 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. છેલ્લા દિવસોમાં આ 50 ડોલર પ્રતિ બેરલ હતી. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કાચા તેલના ભાવમાં વધારો થતા તેની અસર પેટ્રોલ-ડીઝલ પર પડી છે.