10% સસ્તું થઈ જશે પેટ્રોલ, જો...
નીતિ આયોગ એવી ખાસ નીતિ બનાવી રહ્યું છે જેના કારણે મોટો ફેરફાર થઈ શકે છે
નવી દિલ્હી : વાહનમાલિકો માટે ખાસ ખુશખબર છે કારણ કે નીતિ આયોગ એવી નીતિ બનાવી રહ્યું છે જેનાથી પેટ્રોલ કાર પરનો ખર્ચ 10% સુધી ઘટી જશે. આ આયોજન અંતર્ગત પેટ્રોલમાં મિથેનોલ મેળવવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઇંધણ પર્યાવરણને અનુકૂળ છે. આનાથી પ્રદૂષણ નહીં વધે અને સાથેસાથે પેટ્રોલની કિંમત પણ ઘટશે. એક ગણતરી પ્રમાણે પેટ્રોલમાં જો 15 ટકા મિથેનોલ મેળવી દેવામાં આવે તો પેટ્રોલની કિંમત 10 ટકા ઓછી થઈ જશે. હાલમાં અસમ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ (જીએએફસી), ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને દીપક ફર્ટિલાઇઝર્સ મિથેનોલ બનાવે છે અને એની ક્ષમતા 30 લાખ ટન વાર્ષિક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્ર કરવાના કાર્યક્રમને પાછલી સરકારે ગંભીરતાથી નહોતો લીધો જેના કારણે પેટ્રોલિયમ આયાતમાં સારી એવી બચત થઈ શકે છે. વડાપ્રધાને કહ્યું છે કે હવે જ્યારે આ જૈવિક ઇંધણનું ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે એનો ઉપયોગ પેટ્રોલની કિંમત ઘટાડવા માટે કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન 4 વર્ષમાં 3 ગણું વધીને 540 કરોડ લીટરના સ્તર સુધી પહોંચી જશે. આા કારણે પેટ્રોલની આાયાતમાં 12,000 કરોડ રૂ.ની બચત થઈ શકે છે. નોંધનીય છે કે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે ભારતે 80 ટકા ખનિજ તેલ આયાત કરવું પડે છે.
હાલમાં વડાપ્રધાને પ્રોજેક્ટ્સને પર્યાવરણ વિભાગની મંજૂરી જલ્દી મળે એ માટે ખાસ વેબ પોર્ટલ ‘‘પરિવેશ’’નું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે દેશમાં 10,000 કરોડ રૂ.નું રોકાણ કરીને જૈવઇંધણની 12 રિફાઇનરી સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું છે કે સરકાર 2022 સુધી પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે અને એને વધારીને 2030 સુધી 20 ટકા કરવાનું લક્ષ્ય છે. આ દરેક રિફાઇનરી 1000-1500 લોકો માટે રોજગારીના અવસર ઉત્પન્ન થશે.