પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન, આ રીતે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો વચ્ચે પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન આવ્યું છે.
નવી દિલ્હી/રાયપુર: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો વચ્ચે પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન આવ્યું છે. રાયપુરમાં ઓઈલના વધતા ભાવો મુદ્દે ઝી મીડિયા સાથે વાત કરતા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ક્રુડ ઓઈલના વધતા ભાવોના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે માર્ચના પહેલા અઠવાડિયામાં ક્રુડ ઓઈલના ભાવ ઓછા હતા તો પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઓછા રહ્યાં. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય ઈચ્છે છે કે પેટ્રોલ ડીઝલના જેવા પેટ્રોલિયમ પદાર્થો પણ જીએસટીના દાયરામાં આવી જાય.
નાણા મંત્રાલયને અનેકવાર પત્ર લખ્યો
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે અમારા મંત્રાલયને આ અંગે નાણા મંત્રાલયને અનેકવાર પત્ર લખ્યો છે. અનેક રાજ્યો પણ આ માટે તૈયાર છે. જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવો ઓછા થશે. આ અગાઉ પણ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ઓઈલની કિંમતો પર અસર આંતરરાષ્ટ્રીય બજારના કારણે થાય છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે તેમ ભારતમાં તેની અસર થાય છે. તેમણે પહેલા પણ આશા વ્યક્ત કરી હતી કે જલદી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવશે. જેનાથી સામાન્ય લોકોને રાહત મળશે.
દેશમાં અનામત ખતમ થશે નહીં
તેમણે કહ્યું કે રાજ્યોમાં વિકાસ યોજનાઓ ચલાવવા માટે રેવન્યુ માટે આ એક મોટો ભાગ છે. આથી હજુ સુધી રાજ્યો વચ્ચે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાની સહમતી બની નથી. અનામત મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો મત રજુ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યાં સુધી અનામત ખતમ થશે નહીં. અમારી પાર્ટીનો એ સ્પષ્ટ મત છે. દલિતોના મુદ્દે રાહુલ ગાંધીની ખરાબ રાજનીતિ છે. જુઠ્ઠાણું બોલવું, અફવાઓ ફેલાવવી, સમાજમાં તણાવ પેદા કરવો અને ષડયંત્ર કરવું એ રાહુલ ગાંધીના કામ છે.
આ છે ભાવોનું ગણિત
ઈન્ડિયન ઓઈલ તરફથી ગત દિવસોમાં જારી કરાયેલા આંકડા મુજબ ઓઈલ કંપનીઓ એક લીટર પેટ્રોલ માટે 26.65 રૂપિયા ચૂકવે છે. ડીલરને તેનું વેચાણ 30.13 રૂપિયામાં કરાય છે. તેના ઉપર ડીલર 3.24 રૂપિયા કમિશન લે છે. આમ ભાવ એક લીટરના 33.37 રૂપિયા થયાં. તેના ઉપર કેન્દ્ર તરફથી 19.48 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. જે હિસાબે પેટ્રોલની કિંમત 52.85 રૂપિયા પ્રતિ લીટર થાય છે. દિલ્હીમાં 26 ટકા વેટ લાગે છે. આથી દિલ્હીમાં ભાવ 67 રૂપિયા પ્રતિ લીટર થાય છે. હાલના આંકડા પ્રમાણે વધઘટ હોઈ શકે છે. આ જરીતે ગત દિવસોમાં જારી કરાયેલા આંકડા મુજબ એક લીટર ડીઝલ માટે ઓઈલ કંપનીઓ રિફાઈનરીને 23.86 રૂપિયા ચૂકવે છે. ડીલરને 27.63 રૂપિયે પ્રતિ લીટર વેચાય છે. તેના ઉપર ડીલરનું કમિશન 1.65 રૂપિયા હોય છે. ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.33 રૂપિયા છે અને દિલ્હીમાં 8.10 રૂપિયા વેટ છે.
GSTના દાયરામાં આવશે તો શું થશે
જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તે હેઠળ વધુમાં વધુ ટેક્સ સ્લેબ 28 ટકા લાગશે. જો પેટ્રોલ ડીઝલ પર વધુમાં વધુ ટેક્સ લગાવવામાં આવે તો પણ ગ્રાહકે 33.37 (ડીલરના કમિશન બાદની કિંમત) પર 9.34 રૂપિયા જીએસટી આપવો પડશે. જીએસટી અને પેટ્રોલની કિંમત ભેગી કરીને ભાવ લગભગ 43 રૂપિયા થશે. જેના કારણે સામાન્ય લોકોને ખુબ રાહત મળશે.